survey on Semester System and Yearly Education System by Dr. Dimpal J. Ramani

વાર્ષિક અને સેમેસ્ટર અભ્યાસ પદ્ધતિ વિશે મનોવૈજ્ઞાનિક સર્વે

 

સંશોધક : ડો.ડિમ્પલ જે. રામાણી                                                                                       માર્ગદર્શક :ડો.યોગેશ  એ.જોગસણ

 

                સમયની માંગ સાથે પરિવર્તન અનિવાર્ય અને આવશ્યક છે. એક તરફ આપણે આપણાં અભ્યાસક્રમો બદલતા રહીએ છીએ. નવી નવી કેટલીય બાબતો અભ્યાસક્રમનો હિસ્સો બની રહે છે ત્યારે અધ્યાપનની આપણી પરંપરાગત પદ્ધતિના વિકલ્પે નહીં પરંતુ નવી શૈક્ષણિક પદ્ધતિનો સહાયક તરીકે ઉપયોગ કરવો જરૂરી છે. આ પ્રવર્તમાન સમયમાં દિન-પ્રતિદિન વ્યક્તિની,વાલીઓની, શિક્ષકોની અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કથળતી જાય છે અને ચિંતાનો ભાર વધતો જતો હોય તેમ લાગે છે. આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં જે રીતે સમસ્યાઓ વધતી જતી જોવા મળે છે તે જ રીતે વિદ્યાર્થીઓમાં, શિક્ષકોમાં અને વાલીઓમાં ચિંતા અને મનોભારનું પ્રમાણ પણ ખૂબ જોવા મળે છે. ઘણા લોકોને વાર્ષિક પરીક્ષા અભ્યાસ પદ્ધતિ અને સેમેસ્ટર પરીક્ષા અભ્યાસ પદ્ધતિ વિશે ચર્ચા કરતાં સાંભળ્યા.અહી પણ આ પ્રકારની ચર્ચાને ધ્યાનમાં  રાખીને વાર્ષિક અભ્યાસ પદ્ધતિ અને સેમેસ્ટર અભ્યાસ પદ્ધતિના સંદર્ભમાં એક સર્વે કરીને લોકોના અને વિદ્યાર્થીઓના મંતવ્યો જાણવામાં આવ્યા છે. પહેલા અધ્યાપન પદ્ધતિમાં પરંપરાગત અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ થતો હતો  જે હજુ પણ અમુક શૈક્ષણિક પ્રોગ્રામમાં આ અભ્યાસ પદ્ધતિ જોવા મળે છે પરંતુ પરિવર્તન થતાં હાલના સમયમાં સેમેસ્ટર મૂલ્યાંકન પદ્ધતિએ તેનું સ્થાન લીધું છે. વાર્ષિક અભ્યાસ પદ્ધતિમાં વિદ્યાર્થિની પ્રગતિ છમાસિક, પૂર્વવાર્ષિક અને વાર્ષિક પરીક્ષા દ્વારા જ મૂલવવામાં આવે છે તેને બદલે શીખવવામાં આવતા દરેક એકમને અંતે મૂલવવામાં આવે તો વિદ્યાર્થીની એકમદીઠ ક્ષતિ કે પ્રગતિ જાણી શકાય. આમ,વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન કરવાથી તેને અભ્યાસ પ્રત્યે સજાગ કરી શકાય. વર્ષાન્તે લેવાતી પરીક્ષાને બદલે સતત મૂલ્યાંકન ખરેખર લાભદાયી બને છે કે કેમ? અને અભ્યાસ પર સતત મૂલ્યાંકન કાર્યક્રમની અસર કેવી થાય છે ?તે હેતુ આ સર્વે હાથ ધરેલ છે.

 

                “સેમેસ્ટર પદ્ધતિ એટલે શિક્ષણ અભ્યાસમાં છ મહિને લેવાતી ફાઇનલ પરીક્ષા.” ગુજરાતમાં 2009-10 માં રાજ્યની યુનિવર્સિટી કોલેજ શિક્ષણમાં સી.બી.એસ.સી.સેમેસ્ટર પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી.ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઊંચત્તર માધ્યમિક શિક્ષણના પ્રવાહમાં તબક્કાવાર તેનો અમલ શરૂ થયો. રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં વર્ષ 2009-10 અને ગુજરાત યુનિવેર્સિટી સંલગ્ન કોલેજોમાં 2010-11 ના વર્ષમાં આ પદ્ધતિ દાખલ થઈ. શિક્ષણમાં કાર્યક્ષમતા વધે, સમાનતા આવે અને કૌશલ્ય બહાર આવે અને રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશના વિદ્યાર્થીઓ એકસમાન રીતે સ્પર્ધા કરી શકે તે હેતુ યુ.જી.સી.એ આ શિક્ષણ અભ્યાસ પદ્ધતિ દાખલ કરવાની હિમાયત કરી હતી.આ પદ્ધતિમાં માર્કસની જગ્યાએ ગ્રેડ અને ગ્રેડ પોઈન્ટ મૂકવાની સાથે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, પ્રોજેકટ વર્ક ફરજિયાત,અસાઇમેંટ ફરજિયાત,સેમિનાર ફરજિયાત વગેરે જેવી બાબતો પણ મૂકવામાં આવી.ખાસ કરી ગ્રુપ વર્ક અને ફિલ્ડ વર્ક પર વધુ ભાર મૂકવામાં આવ્યો.સંપૂર્ણ કોર્ષની વાર્ષિક પરીક્ષાના ભરણમાંથી વિદ્યાર્થી મુક્ત બને અને વિષયવાર આગળ વધે, વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન થતું રહે, તેમની વિચાર શક્તિ જાણી શકાય અને સર્જનાત્મક શક્તિ બહાર લાવી શકાય સાથે સાથે દરેક વિદ્યાર્થી આધુનિક ટેક્નોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને આ ટેકનોલોજીને કારણે દેશ-વિદેશની માહિતીઓ પ્રાપ્ત કરી શકે તે હેતુ આ શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી.

 

                વાર્ષિક અભ્યાસ પદ્ધતિ એ એક પરંપરાગત પદ્ધતિ છે. જે વિદ્યાર્થીઓના ખ્યાલોને સમજવા અને પકડવાની પૂરતી તક આપે છે. આ પરીક્ષામાં વ્યક્તિલક્ષી અને ઉદેશ્ય બંને પાસાઓનો સમાવેશ થાય છે પરંતુ તે મુખ્યત્વે વ્યક્તિલક્ષી અથવા વ્યાપક પરિક્ષાના પરીક્ષણો લે છે. શિક્ષણની વાર્ષિક પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષને વિવિધ શરતોમાં વહેંચવામાં આવતું નથી.વર્ષની અંતિમ પરીક્ષા એટ્લે જેને વાર્ષિક પરીક્ષા તરીકે ઓળખવામાં આવે છે. તે વર્ષ દરમિયાન શીખવાની એકમાત્ર પરીક્ષા છે. ભારતની ઘણી કોલેજો અને શાળાઓ હજુ પણ વાર્ષિક અભ્યાસ પદ્ધતિ સાથે ચાલે છે કારણકે વિદ્યાર્થીઓને સંપૂર્ણ અભ્યાસની સાથે જ્ઞાન આપી શકાય છે.વાર્ષિક અભ્યાસ પદ્ધતિનો હેતુ સંપૂર્ણ શિક્ષણ આપવાના ઉદેશ્ય સાથે સંકળાયેલ છે જેથી આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી.

 

                આ બંને પદ્ધતિ પોતપોતાનું કાર્ય જાળવી રાખે છે. અહી આ સર્વેમાં 511 વ્યક્તિઓએ ભાગ લીધો છે. આ સર્વેમાં જોવા મળેલ પ્રતિચારો કે મંતવ્યો ગૂગલ ફોર્મ ભરાવીને મેળવ્યા હતા જેના પ્રાપ્ત પ્રતિચારો આ મુજબ છે.

 

વાર્ષિક પરીક્ષા અભ્યાસ પદ્ધતિ વિશે તમારું શું માનવું છે?

વાર્ષિક પરીક્ષા અભ્યાસ પદ્ધતિ વિશે ઘણા લોકો જણાવે છે કેઆ પદ્ધતિના બે પાસાઓ છે વિધાયક અને નિષેધક. આ પદ્ધતિ સારી છે, યોગ્ય પદ્ધતિ છે,ઘણા માતા પિતા પણ કહે છે કે વિદ્યાર્થી માટે અતિ ઉત્તમ પદ્ધતિ હતી, વિદ્યાર્થીના ભવિષ્ય માટે મદદરૂપ પદ્ધતિ છે,ફરીથી અમલમાં મૂકે તો વધુ સારું,  જેમાં વિષયનું સમગ્રલક્ષી જ્ઞાન પ્રાપ્ત થતું,વિદ્યાર્થીઓ આખું વર્ષ રમત સાથે જ્ઞાન અને એકચિત રહી અભ્યાસ કરી શકે,આ પદ્ધતિમાં કોઈપણ પ્રકારનો તણાવ જોવા મળતો ન હતો. ત્યારે ઘણા લોકો આ પદ્ધતિ વિશે જણાવતા કહે છે કે સારી પદ્ધતિ નથી,વધારે કોર્ષ હોવાથી બોજારુપ પણ લાગે છે,પરીક્ષાના સંદર્ભમાં અઘરું પડે છે, એકસાથે ક્યારેક લોડ વધારે આવે છે.

 

સેમેસ્ટર પરીક્ષા અભ્યાસ પદ્ધતિ વિશે તમારું શું માનવું છે?

સેમેસ્ટર પરીક્ષા અભ્યાસ પદ્ધતિ વિશે લોકોના મંતવ્યો અનુસાર આ પદ્ધતિના વિધાયક પાસાઓ જણાવે છે કે વિદ્યાર્થી માટે આ પદ્ધતિ સારી છે, કોર્ષ યાદ રાખવો સરળ છે, ઓછા સમય માટે યાદ રાખવું ભૂલી જઈએ તો પણ કોઈ તકલીફ નથી,ખૂબ જ સારી અને સરળ પદ્ધતિ છે, પાસ થવાનો રેશિયો વધારે છે.જ્યારે નિષેધક પાસાઓ વિષે લોકો જણાવે છે કે મર્યાદિત સમય હોવાથી સરખું ભણી શકાતું નથી અને ઉતાવળે કોર્ષ પૂરો કરવો પડે, ગોખણ પદ્ધતિ વધી, જસ્ટ વેસ્ટ ઓફ ટાઇમ, અવઢવમાં મૂકે તેવી પદ્ધતિ છે,  કેટલાક માતા-પિતાનું કહેવું છે કે આ પદ્ધતિ બાળકો માટે મનોરંજન બનતી જાય છે, દર છ પરીક્ષા આવતી હોવાથી વિદ્યાર્થીઓએ ચિંતામાં, ઘણા  શિક્ષકોનું કહેવું છે કે અભ્યાસક્રમ પૂરો કરી શકાતો નથી, પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરી શકાતું નથી અને સરખું શિક્ષણ આપી શકતું નથી કારણકે જેટલો સમય જોઈએ તેટલો સમય રહેતો નથી (1 મહિનો અસાઇમેંટ, સેમિનાર,આંતરિક પરીક્ષા, 1 મહિના જેવી તો રજા પડે છે,એમાં પણ જન્માષ્ટમી વેકેશન),માહિતી વધુ મળતી થઈ પણ જ્ઞાનમા ઘટાડો થતો ગયો.

 

લોકોના જણાવ્યા મુજબ વાર્ષિક અભ્યાસ પદ્ધતિના લાભ-ગેરલાભ :

લાભ :(૧) સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત થાય છે. (૨) સરળ પદ્ધતિ છે. (૩) બાળકને એક જ વાર પરીક્ષાની તૈયારી કરવી પડે છે. (૪) કોર્ષ પૂરો કરવા માટે પૂરતો સમય મળી રહે છે. (૫) પૂર્ણ મૂલ્યાંકન થાય છે. (૬) ત્રણ વાર રીવીઝન થઇ શકે છે. (૭) સંપૂર્ણ કોર્ષ યાદ રાખવાનો હોવાથી જ્ઞાનમાં વધારો થાય છે. (૮) પ્રેકટીકલ નોલેજ સારું મળી શકે છે. (૯) ફાઈનલ પરીક્ષા એક જ વાર આપવી પડે છે. (૧૦) વિદ્યાર્થીને વિષય સમજવા માટે પુરતો સમય મળી શકે છે. (૧૧) આ પદ્ધતિથી સંતોષ પ્રાપ્ત થતો. (૧૨) સઘન શિક્ષણ કાર્ય થઇ શકે. (૧૩) ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે.  (14) આ પદ્ધતિમાં ત્રિમાસિક, છમાસિક, નવમાસિક અને બારમાસિક પરીક્ષા પદ્ધતિ આવતી જેથી શિક્ષકો બાળકોનું માનસપટ જાણી વ્યવસ્થિત ઘડતર કરી શકતા. (૧૫) આ પદ્ધતિમાં એમ.ડી. અને પી.ટી. જેવા વિષયો આવતા જેથી કસરત કરવાથી વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય જળવાય રહેતું.

ગેરલાભ : (૧) આખું વર્ષ યાદ રાખવું પડે છે. (૨) શરૂઆતમાં શીખેલ બાબત પરીક્ષા અંત સુધીમાં ભૂલી જવાય છે. (૩) વર્ષના અંતે પરીક્ષા લેવાતી હોવાથી મોટાભાગે વિદ્યાર્થીઓ પરીક્ષાના થોડા સમય પહેલા જ સરખી મહેનત કરે છે. જેથી ઘણીવાર જોઈએ તેવું પરિણામ મેળવી શકાતું નથી. (૪) અભ્યાસ દરમિયાન  ઘણુબધું વાંચવું પડે છે. (૫) બધું યાદ રાખવું અઘરું પડે છે. (૬)આ  પદ્ધતિમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ સારી રીતે જાણી શકાતી નથી.

 

લોકોના જણાવ્યા મુજબ સેમેસ્ટર અભ્યાસ પદ્ધતિના લાભ-ગેરલાભ :

લાભ :  (૧) આ પદ્ધતિમાં પરિણામ સારું જોવા મળે છે. (૨) કોર્ષ સરળતાથી યાદ રાખી શકાય છે. (૩) ઇન્ટર્નલ માર્કસને કારણે વધુ લાભ થાય છે. (૪) આ પદ્ધતિમાં શિક્ષણનો બોજ રહેતો નથી. (૫) આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સરળતાથી શીખી શકે છે. (૫) સતત મૂલ્યાંકનને કારણે વિદ્યાર્થીના સ્વ નો વિકાસ કરી શકાય છે. (૬) એકવાર એક સેમેસ્ટર પૂરું થતા બીજા સેમેસ્ટરમાં તેની ચિંતા રહેતી નથી. (૭) આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની ક્ષમતા જાણી શકાય છે. (૮) ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.

ગેરલાભ : (૧) આ પદ્ધતિમાં ખર્ચ વધુ થાય છે. (૨) સતત મનોભાર રહે છે. (૩) ક્યારેક શિક્ષણકાર્ય અધૂરું રહી જાય છે. (૪) સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરી શકાતું નથી. (૫) પૂરી રીતે યાદ્શાક્તિનો વિકાસ થતો નથી. (૬) માર્ક્સ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ પુરતું નોલેજ પ્રાપ્ત કરી શકાતું નથી. (૭) ઈત્તર પ્રવૃતિને  કારણે બાળકો સાથે માતા-પિતા પણ સ્ટ્રેસમાં રહે છે. (૮) દર સેમેસ્ટરમાં નવા પુસ્તકોની ખરીદી કરવી પડે છે જે બોજરૂપ છે. (૯) પુનરાવર્તન ન થવાને કારણે ભૂલી જવાય છે. (૧૦) કાર્યભાર વધે છે. (૧૧) સઘન શિક્ષણ કાર્ય થઇ શકતું નથી. (૧૨) શિક્ષણ કાર્ય ઉત્તાવળે કરવું પડે છે. (૧૩) ખર્ચાળ પદ્ધતિ હોવાથી લોકોને આર્થિક પરિસ્થિતિ ખુબ જ અસર કરે છે. (૧૪) દર છ મહીને પરીક્ષાની તૈયારી સરખી ન થઇ શકવાને કારણે વિદ્યાર્થીઓ ટેન્શનમાં (૧૫) પરીક્ષાની તૈયારી કરવામાં સમયનો અભાવ (૧૬) વિદ્યાર્થીઓ  વિષયથી યોગ્ય માહિતગાર થઇ શકતા નથી. (૧૭) વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર પરીક્ષા આવતી હોવાથી કંટાળો આવે છે. (૧૮) શિક્ષણ આપવાનો અને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમય રહેતો નથી. ઘણા લોકોએ જણાવ્યું કે આ પદ્ધતિ બંધ કરી દેવી જોઈએ. (૧૯) ઘણીવાર ખુબ ખર્ચ થવાને કારણે વિદ્યાર્થીને તેમના માતા-પિતા પૂરું શિક્ષણ આપી શકતા નથી.

પરિણામની બાબતે લોકો જણાવે છે કે ૬૨.૩ % સેમેસ્ટર પદ્ધતિનું પરિણામ સારું જયારે ૩૭.૭ % વાર્ષિક  પદ્ધતિનું પરિણામ સારું.

 

સેમેસ્ટર પદ્ધતિ દરમ્યાન ઇન્ટરનલ પરીક્ષા લેવાય છે તો તેમાં તમારું શું માનવું છે ? આ દરમ્યાન ઘરના વાતાવરણમાં શું ફેરફાર થાય છે?

લોકોના જણાવ્યા મુજબ :

 • બાળકોને વાંચન વધુ કરવું પડે છે.
 • બાળકોના પ્રોજેક્ટનું કાર્ય તેના માતા-પિતાએ કરવું પડે છે જયારે તે લોકો પાસે આવો કોઈ સમય હોતો નથી ત્યારે ઘરનું વાતાવરણ તંગ બની જાય છે. 
 • ઘરે બાળકોનો પ્રોજેક્ટ બનાવતા ન આવડે તો માતા પિતા ગુસ્સો કરે છે.
 • વિદ્યાર્થીઓને જયારે કોઈ પણ ટોપિક માટે માહિતીનો અભાવ હોય ત્યારે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ વધુ જોવા મળે છે.
 • આ પદ્ધતિમાં વિદ્યાર્થીને નવું નવું શીખવા મળે પરંતુ તેમના માતા-પિતાને ન ફાવે ત્યારે ટ્યુશન કલાસીસનો સહારો લેવો પડે છે.
 • વર્ષમાં બે વાર ફી ભરવી પડે ત્યારે માતા-પિતા ખુબ ચિંતિત રહે છે
 • ઘણા લોકો જણાવે છે કે અત્યારની આ આધુનિક પદ્ધતિને કારણે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સતત માંનોભાર અનુભવે છે ક્યારેક તે ડીપ્રેશનનો પણ ભોગ બને છે.
 • આ પદ્ધતિમાં ઇન્ટરનલ પરીક્ષામાં ખુબ મજા આવે છે.
 • વિદ્યાર્થીઓ સાથે માતા-પિતાએ કાર્યરત રહેવું પડે છે.
 • ઇન્ટરનલ પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓની ક્ષમતા જાણી શકાય છે.
 • ક્યારેક ઇન્ટરનલ પરીક્ષાના માર્ક્સ જાણ્યા પછી અમુક વિદ્યાર્થી ઈર્ષાનો ભોગ બને છે અને તે પોતાને અથવા બીજાને નુકશાન પહોચાડવા સુધી પહોચી જાય છે.
 • વાલીઓને ખ્યાલ રહે છે કે પોતાનું બાળક કેટલી મહેનત કરે છે.
 • ઇન્ટરનલ પરીક્ષા દરમ્યાન જો યોગ્ય મૂલ્યાંકન ન થાય તો ઘરનું અને શાળા – કોલેજોનું વાતાવરણ સ્ટ્રેસમય  બની રહે છે. જેને કારણે ઘણા વિખવાદો ઉભા થાય છે.
 • ઘણીવાર અભ્યાસ અંગે ઘણા વિદ્યાર્થીઓને ગંભીરતા જન્મે છે.
 • આ પદ્ધતિમાં પ્રોજેક્ટ વર્ક ન હોય તો સારું જેથી ઘરે કોઈને ચિંતા નહિ
 • ક્યારેક ખુબ કંટાળો આવે
 • બાળકને ન અવળે તો માતા-પિતા પણ શીખવાડી શકે છે.
 • અભ્યાસ ક્રમ પૂરો થતો નથી જેથી ક્યારેક વિદ્યાર્થીને જાતે કરવું પડે છે.
 • માર્ક્સ વધારે મેળવી શકાય છે.
 • ઇન્ટરનલ પરીક્ષા તેના યોગ્ય માપદંડ અનુસાર લેવાતી નથી માટે આ એક અનિષ્ઠ પદ્ધતિ છે.
 • ઇન્ટરનલ પરીક્ષાના કારણે આગળની પરીક્ષાની તૈયારી થાય છે.માર્ક્સ કપાઈ ન જવાની ચિંતા રહે છે.
 • ઘણીવાર ઇન્ટરનલ પરીક્ષામાં શિક્ષકો પોતાના માનીતા વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપે છે અને હોશિયાર વિદ્યાર્થીને નુકશાન થાય છે જેથી તે વિદ્યાર્થી અપસેટ રહે છે અને ઘરના લોકોની ચિંતા વધી જાય છે.
 • ઇન્ટરનલ પરીક્ષાના ભાગ રૂપે વિદ્યાર્થી સેમિનારમાં બોલતા શીખે પરંતુ બધાની સામે બોલવાના ભયના કારણે સારી રીતે સેમિનાર આપી શકતા નથી.
 • સેમિનારમાં બધાને બીજા સામે બોલવાની એક તક મળે છે.
 • મહેનત ખુબ કરવી પડે છે.
 • ઇન્ટરનલ પરીક્ષામાં સરળતાથી જવાબ આપી શકાય છે.
 • પરીક્ષાનો સતત ભય
 • વિદ્યાર્થીઓની સાથે ઘરના લોકોને પરીક્ષાની તૈયારીમાં વધુ સમય આપવો પડે છે.

૧૦  % લોકો એવું પણ જણાવે છે કે આ બધી બાબતોને કારણે તેઓને કોઈ ફેર પડતો નથી પરંતુ ક્યારેક ઘરના વાતાવરણમાં ફેરફાર જોવા મળે અને ન પણ મળે.

 

 

 

 

સતત મૂલ્યાંકન (સેમેસ્ટર – આંતરિક કસોટી/સેમિનાર/અસાઈન્મેન્ટ વગેરે ) પદ્ધતિને કારણે તમે પોતે કે તમારું સંતાન અને ઘરના બીજા સભ્યો કેવા પ્રકારનો મનોભાર અનુભવે છે?

સર્વે આધારે કેટલાક અગત્યના કારણો :

 • ખુબ મનોભાર અનુભવાય છે.
 • ઘણા લોકોને હળવા પ્રકારનો મનોભાર અનુભવાય છે.
 • સતત તણાવ
 • આર્થિક દ્રષ્ટીએ પણ ખુબ મનોભાર લાગે છે.
 • સતત મનોભારને કારણે કુટુંબમાં માતા-પિતાનો કલેશ વધી જતા બાળકોને કલાસીસમાં મુકવા પડે છે જેથી બાળકોને શિક્ષણનો ભાર લાગવા લાગે છે.
 • વધારે બુક્સ ને કારણે બાળકોને બેગ ઉપાડવામાં મુશ્કેલી પડે છે જેથી ઘણા બાળકો શારીરિક રીતે નબળા પડતા જાય છે.
 • સતત મૂલ્યાંકન પદ્ધતિમાં  ક્યારેક બાળકો વધુ કાર્યભારને કારણે સરખું જામી શકતા નથી અને તેની ઊંઘ પણ પૂરી થતી નથી જેથી બીમાર પડવાની શક્યતા વધી જાય છે.( આ સમસ્યા બાળકો સિવાય બીજા  વિદ્યાર્થીઓની પણ છે )
 • જયારે બધું એકસાથે કરવાનું  થાય છે ત્યારે ખુબ  મુશ્કેલી પડે છે.
 • સતત મૂલ્યાંકનને કારણે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં સતત વધારો થાય છે.
 • માનસિક ચિંતામાં રહેવાથી ઘણા આત્મહત્યા તરફ પ્રવર્તે છે.
 • નવું નવું શીખવા મળે .
 • ટેક્નોલોજીનો ઉપયોગ કરતા શીખે છે
 • વારંવાર પરીક્ષા લેવાતી હોવાથી બધી જગ્યાએ પહોંચી શકાતું નથી માટે સ્ટ્રેસ ઉત્પન થાય છે જેની અસર ઘરના દરેક વ્યક્તિ પર જોવા મળે છે.
 • હાર્ડવર્ક વધી જાય છે.
 • માતા-પિતા બાળકનું મૂલ્યાંકન તેની પરીક્ષામાં આવેલ માર્ક્સ પરથી કરે છે અને તેના કારણે સારું પરિણામ મેળવવા ઘણા માતા-પિતા બાળકો પર દબાણ કરે છે અને બાળકો વાલીઓના ગુસ્સાને કારણે  ચિંતામાં રહે છે.
 • માનસિક અને શારીરિક થાક લાગવો.
 • એક સાથે બધી તૈયારી કરી શકતા નથી.
 • Copy-paste કરવાની પ્રક્રિયા વધતી જાય છે.
 • ઘણા લોકોના કહેવા મુજબ ઘણા વિદ્યાર્થીઓ ઓછો મનોભાર અનુભવે છે.
 • આર્થિક ભીંસ વધી જાય છે.
 • સતત ભારણ લાગે છે.
 • ઘરના લોકોને સમય ન રહેવાથી બાળકો પર ધ્યાન આપી શકતા નથી.
 • ઘરના સભ્યોને કામકાજમાં અવરોધ ઉત્પન થાય છે.
 • સતત પરીક્ષાનો ઘસારો
 • અસાઇન્મેન્ટની તૈયારીમાં બીજી માહિતીનો અભાવ રહી જાય છે.
 • આ જ મનોભાર ક્યારેક ડિપ્રેશનમાં પરિણમે છે.
 •  

સેમેસ્ટર પરીક્ષા અભ્યાસ પદ્ધતિથી શિક્ષણનું સ્તર ઉન્નત થયું છે?

આ પ્રશ્નના જવાબમાં 47.૩ % લોકોનું કહેવું છે કે સેમેસ્ટર પરીક્ષા અભ્યાસ પદ્ધતિથી શિક્ષણનું સ્તર ઉન્નત થયું હોય તેમ લાગતું નથી જ્યારે 52.7% લોકો જણાવે છે કે હા, આ અભ્યાસ પદ્ધતિથી શિક્ષણનું સ્તર ઉન્નત થયું છે. અહી પણ પોતે જે પદ્ધતિ પ્રમાણે ભણ્યા તે પદ્ધતિ સારી એવા મમત્વ વાળા જવાબો જોવા મળ્યા છે.

 

કઈ પરીક્ષા પદ્ધતિ વધારે યોગ્ય છે?

50% લોકોના કહેવા મુજબ વાર્ષિક પરીક્ષા અભ્યાસ પદ્ધતિ યોગ્ય છે અને 50% લોકોના કહેવા મુજબ સેમેસ્ટર પરીક્ષા અભ્યાસ પદ્ધતિ યોગ્ય છે. એટલે કે 10 વર્ષથી સેમેસ્ટર પદ્ધતિ હોવા છતાં લોકો અસમંજસમાં છે કે તે યોગ્ય છે કે કેમ. 

 

સર્વે આધારે કેટલાક તારણો :

- વાર્ષિક પરીક્ષા પદ્ધતિ સારી જ છે.

- બંને પદ્ધતિના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.

- બંને પદ્ધતિ યોગ્ય છે પરંતુ સેમેસ્ટર પદ્ધતિમાં સ્ટ્રેસ વધુ લાગે છે.

- સેમેસ્ટર પદ્ધતિથી બાળકો અને શિક્ષણ સંસ્થા પરીક્ષા કાર્યમાથી નવરા નથી થતાં.

- વિદ્યાર્થીના લક્ષમાં અભ્યાસ પદ્ધતિ હોવી જોઈએ.

- સેમેસ્ટર પરીક્ષા અભ્યાસ પદ્ધતિમાં યાદ રાખવું વધુ સરળ છે ઉપરાંત પરિણામ ખૂબ સારું જોવા મળે છે. એટલે કે બાળકોને ગુણ કે માર્ક્સ મળે છે પણ ઉપયોગી શિક્ષણ ઓછું જોવા મળે છે.

- વાર્ષિક પદ્ધતિમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવે તો વધુ માહિતી મેળવી શકાય.

- પરીક્ષા મુજબ ભણવાનું નથી હોતું તેથી અધ્યાપકો અને શિક્ષકો જીવન મૂલ્ય ઉપયોગી શિક્ષણ અને ઉદાહરણો આપી શકે છે.

- સેમેસ્ટર અભ્યાસ પદ્ધતિ દૂર કરી વાર્ષિક પરીક્ષા પદ્ધતિ ફરીથી અમલમાં મૂકવી જોઈએ.

- સતત મૂલ્યાંકન થતું રહેવું જોઈએ પણ વિદ્યાર્થીને ભારણ આપીને નહીં.

- પરીક્ષા પદ્ધતિ કોઈપણ હોય પરંતુ માતા-પિતા અને બાળકો માનસિક રીતે ચિંતિત હોવા જોઈએ નહીં.

-  સેમેસ્ટર પદ્ધતિમાં ગોખણિયું જ્ઞાન વધતું જાય છે. જેથી બાળક આગળનું ભૂલી બીજા સેમેસ્ટરની તૈયારી     કરવા લાગે છે.

- વાર્ષિક પરીક્ષાઓ હોય તો વિદ્યાર્થીને લાંબા સમય સુધી ફાયદો થાય છે.

- પરિણામની બાબતે સેમેસ્ટર પદ્ધતિ સારી અને જ્ઞાનની વૃદ્ધિ માટે વાર્ષિક અભ્યાસ પદ્ધતિ સારી.

- ઇન્ટરનલ પરીક્ષા સેમેસ્ટર પદ્ધતિ પ્રમાણે દૂષણ બની છે. અહી વ્હાલા દવલાની નીતિ શરૂ થઈ છે.

- વિષયનો સમગ્રલક્ષી અભ્યાસ અનિવાર્ય. સેમેષ્ટરમાં નિષ્ઠાવાળું શિક્ષણ જોવા મળતું નથી.

- વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ પડે તેવી પદ્ધતિ હોવી જોઈએ. પછી ભલે તે કોઈપણ હોય.

- કોઈ અભ્યાસ પદ્ધતિની મર્યાદા જાણી તેની ખામી દૂર કરવી જોઈએ.

 

 

 

ડૉ. ડિમ્પલ જે. રામાણી

આસિ. પ્રોફેસર

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજકોટ                 

 

 

 


Department: Department of Psychology

09-07-2020