રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. શ્રીનિવાસ રાવ તથા તેમના બહેન શ્રીમતી સેશાદ્રીજી દ્વારા માતૃત્વનું ઋણ અદા કરવા તેઓના માતુશ્રી અને ગુજરાતના સિનીયર મોસ્ટ હિન્દુસ્તાની કલાસીકલ મ્યુઝીકના આર્ટીસ્ટ સ્વ. શારદાબેન રાવના નામે ગોલ્ડમેડલ એનાયત કરવાનો સુંદર વિચાર કર્યો હતો.
ડો. શ્રીનિવાસ રાવ તથા શ્રીમતી સેશાદ્રીજી દ્વારા તેઓના માતુશ્રી અને ગુજરાતના સિનીયર મોસ્ટ હિન્દુસ્તાની કલાસીકલ મ્યુઝીકના આર્ટીસ્ટ શ્રીમતી શારદા રાવની સ્મૃતિમાં ગોલ્ડમેડલ એનાયત કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબને આજરોજ મળી અને રુ. ૫,૦૦,૦૦૦/- નું દાન માન. કુલપતિશ્રીને અર્પણ કરેલ હતું.
આ દાનમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખામાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને "શ્રીમતી શારદા રાવ મેમોરીયલ ગોલ્ડ મેડલ" એનાયત કરવામાં આવશે.
ડો. શ્રીનિવાસ અને સેશાદ્રીજી એ માતૃત્વની ખરા અર્થમાં વંદના કરી છે.
જેઓના નામ પર આ ગોલ્ડમેડલ એનાયત થનાર છે એ શ્રીમતી શારદાબેન રાવ એ સંગીત વિસારત હતા. તેઓએ શાસ્ત્રીય સંગીતમાં ખુબ નામના અને પ્રસિદ્ધિ મેળવી હતી. શ્રીમતી શારદાબેન રાવ એ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ખુબ સિનીયર મોસ્ટ આર્ટીસ્ટ હતા. તેઓ ઓલ ઈન્ડિયા રેડીયોના "એ" ગ્રેડના માન્ય કલાકાર હતા.
શ્રીમતી શારદાબેન રાવ એ "સંગીત મંદિર" ની શરુઆત કરી અને 400 થી વધારે વિદ્યાર્થીઓને સંગીતની શિક્ષા આપી. તેઓ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, કન્નડ, મરાઠી, તામીલ તથા તુલુ ભાષાના જાણકાર હતા. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની તેમની રુચી અને પ્રેમને કારણે તેઓએ ખુબ નામના મેળવી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડો. જી.કે. જોશી, શિક્ષણશાસ્ત્ર વિદ્યાશાખાના ડો. નીદતભાઈ બારોટની ઉપસ્થિત રહ્યા હતા.