survey on online education by Dr. Yogesh A. Jogsan & Dr. Dhara R. Doshi, Department of Psychology, Saurashtra University

કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ વિશે સર્વે

આજે જે પરિસ્થિતી સમગ્ર વિશ્વની છે એવી પરિસ્થિતીનો કદાચ કોઈએ ભૂતકાળમાં સામનો નહીં કર્યો હોય અને ઈશ્વરને પ્રાર્થના કે ભવિષ્યમાં પણ ન કરવો પડે. વૈશ્વિક ફલક પર કોરોનાએ દરેક બાબતોને, દરેક લોકોને અસર પહોચાડી છે તેમાં શિક્ષણ પણ બાકાત નથી. કોરોનાના કારણે લોકોના જીવનના તમામ સમીકરણો બદલાયા છે. લોકોની જીવન જીવવાની શૈલીમાં બદલાવ આવ્યો છે. આ બદલાવ સાથે ઉમરમાં મોટા લોકો પણ માંડ સમાયોજન સ્થાપી શક્યા છે ત્યારે બાળકો માટે ખાસ કરીને જે શાળાના વિદ્યાર્થીઓ છે તેમના માટે થોડી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. આ સમયે દરેક વાલીઓને એક પ્રશ્ન મુંજવે છે અને એ છે તેમના બાળકોના શિક્ષણનો.

 

આજે દેશ દુનિયામાં ઓનલાઈન શિક્ષણનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. પણ આપણે એ બાબત માટે કેટલા તૈયાર છીએ? એ પહેલા જોવું જોઈએ. ઓનલાઈન શિક્ષણના કારણે કારણે પરિસ્થિતી એવી સર્જાઈ છે કે જે માતા પિતા પોતાના બાળકોને ખાસ કરીને ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને મોબાઈલ આપતા પણ ડરતા હતા તેઓએ હવે મજબૂરીમાં મોબાઈલ આપવા પડે છે અને એક ચિંતાનું મોજું વાલીની અંદર ઉછાળા લઈ રહયું છે. તો આ ઓનલાઈન શિક્ષણ વિશે લોકોના શું મંતવ્ય ધરાવે છે એ જોવા માટે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશી એ એક સર્વે હાથ ધર્યો જેમાં ગૂગલફોર્મ દ્વારા 1168 લોકોના પ્રતિભાવો મેળવ્યા અને તેમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, વ્યવસાય કરતાં લોકોએ ભાગ લીધો હતો. લોકોએ જણાવેલા પ્રતિભાવો અને તારણો નીચે મુજબ છે.

 

આ સર્વેમાં 48.8% પુરુષો અને 51.2% સ્ત્રીઓનો સમાવેશ થાય છે. 62.9% લોકો શહેરી વિસ્તારના જ્યારે 37.1% લોકો ગ્રામ્ય વિસ્તારના હતા. 53.3% વિદ્યાર્થીઓ, 35.2% નોકરી કરતાં લોકો, 6.9% વ્યવસાય કરતાં લોકો અને 4.6% ગૃહિણીનો સમાવેશ થયો.

ક્યાં પ્રકારનું શિક્ષણ વધુ ઉપયોગી છે? આ પ્રશ્નના જવાબમાં 92.30% લોકોએ જણાવ્યુ કે ક્લાસરૂમ શિક્ષણ વધુ ઉપયોગી છે. માત્ર 7.70% લોકો ઓનલાઈન શિક્ષણને મહત્વનું માને છે. 87.5% લોકો એ સ્વીકાર્યું કે મોબાઈલના વપરાશથી બાળકોને નિષેધક અસર થઈ શકે છે. 91.9% લોકોએ જણાવ્યુ કે ઓનલાઈન શિક્ષણમાં ક્લાસરૂમ શિક્ષણ જેવું પ્રત્યાયન નથી થઈ શકતું.

 

 

 

ક્યાં પ્રકારનું શિક્ષણ વધુ ઉપયોગી છે?

મોબાઈલના વપરાશથી બાળકોને કોઈ નિષેધક અસર થશે?

ઓનલાઈન શિક્ષણના ફાયદાઓ જણાવતા લોકોએ જણાવ્યુ કે માત્ર બાળક ઘરે રહીને ભણી શકે અને આ સમયે સામાજિક અંતર રાખી શકીએ તે સિવાય કોઈ ફાયદાઓ નથી. જ્યારે ઓનલાઈન શિક્ષણના ગેરફાયદાઓ જણાવતા કહ્યું કે નેટવર્ક ઇશ્યૂ ખુબ હોય છે, ઓનલાઈન ભણવાનું નામ પડતાં જ સમસ્યાઓ શરૂ થઈ જાય, ક્યારેક આખા લેકચર દરમિયાન માંડ 20 થી 30% જ સમજાય, રસનો અભાવ રહે છે, શંકાનું સમાધાન જ નથી થતું, ભણતી વખતે ઊંઘ આવ્યા કરે છે, મોબાઈલમાં રમવું ગમે છે પણ ભણવું ગમતું નથી, હેડફોનના ઉપયોગથી સતત માથાનો દુખાવો થયા કરે છે, શિક્ષકો જે રૂબૂરું ભણાવે તે સરખું સમજાય પણ ઓનલાઈનમાં ઘણી તકલીફ પડે છે.

ક્લાસરૂમ શિક્ષણના ફાયદાઓ જણાવતા કહ્યું કે વિધાયક વાતાવરણ મળી રહે છે, એકબીજા વિદ્યાર્થીઓ સાથે બેસીને ભણવાથી ભણવામાં હરીફાઈ જાગે, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આદાન પ્રદાન સારું થઈ શકે, વિદ્યાર્થીની સમસ્યાઓનું સમાધાન આપી શકાય, વ્યક્તિગત ધ્યાન આપી શકાય, પુસ્તકોના જ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન પણ આપી શકીએ, શિક્ષણ પ્રત્યે સજાગતા કેળવી શકાય, ધોરણ 1 થી 12ના બાળકો માટે ક્લાસરૂમ શિક્ષણ જ સારું છે, બાળકોને વિસ્તૃત રીતે છણાવટથી સમજાવી શકે, યોગ્ય પ્રતિક્રિયા આપી શકીએ, શિક્ષકના હાવભાવની વિદ્યાર્થી પર ખૂબ સારી અસર થઈ શકે, ઘણી વખત જે વાત વિદ્યાર્થી માતા પિતાને ન કહી શકે તે શિક્ષકોને કહી શકતો હોય છે, બાળકોને ઈતર પ્રવૃતિઓ કરાવી શકાય.

ઓનલાઈન શિક્ષણ મેળવતી વખતે વિદ્યાર્થીઓના વાલીઓની સમસ્યાઓ જોઈએ તો ઘણા વાલીઓએ જણાવ્યુ કે ભણવા બાળક બેસે અને ચિંતા અમને વધી જાય છે, ક્લાસનો સમય રેગ્યુલર ન હોવાથી ગમાએ ત્યારે ક્લાસ હોય તો એ પ્રમાણે ઘરકામ કરવું પડે, ક્યારેક તો ઘરમાં રહીને જ ઈમરજન્સી જેવુ લાગે છે, જ્યાં સુધી બાળક ભણે ત્યાં સુધી બાળક પાસે બેસી રહેવું પડે જેથી બાળક પણ ગુસ્સે થાય છે, આખો દિવસ લેકચર છે એમ કહીને આખો દિવસ મોબાઇલમા પડ્યા રહે છે, પરાણે બેસાડું ભણવા તો થોડી વખત બેસે અને પછી તોફાને ચડી ઊભું થઈ જાય, જ્યારથી ઓનલાઈન ભણતર શરૂ થયું ત્યારથી નેટનો ખર્ચ વધી ગયો છે, ક્લાસ પૂરા થાય પછી ય મોબાઈલ મુક્તા નથી અને ન આપીએ તો દલીલ કરે કે ભણતી વખતે તો આપો છો, બાળકના સર્વાંગી વિકાસની ચિંતા રહે છે.

એક વાલી: મારે બે બાળકોછે, બન્ને બાળકોને જ્યારે સાથે ક્લાસ હોય ત્યારે એક જ ભણી શકે બીજું નહીં, જેથી બન્ને બાળકોને જઘડો થાય અને ઘરમાં તંગદિલીનું વાતાવરણ સર્જાય છે.

વાલી: જ્યારે બાળકો ભણતા હોય ત્યારે મારે અથવા મારા પતિએ ફરજિયાત તેમની પાસે બેસવું પડે. પતિ તો ઓફિસે જતાં રહે પછી મારે બાળકોનું ધ્યાન વધુ રાખવું પડે છે.

દાદા: મારો પૌત્ર હજુ ચોથા ધોરણમાં ભણે છે, એને ઓનલાઈન ભણતું હોય મને ચિંતા વધી જાય છે કે ક્યાય આડે રસ્તે ન ચડી જાય, મોબાઇલનું વણગણ થઈ જશે તો?

પિતા: અમારે માત્ર બે બેડરૂમનો ફ્લેટ છે, બાળક ઓનલાઈન ભણવા બેસે ત્યારે અડધો દિવસ એક રૂમ રોકાયેલ જ રહે અને ઘરમાં અગવડ થાય છે.

પતિ: મારી પત્ની બહુ ભણેલી નથી, અત્યારે ઓનલાઈન ક્લાસની જે લિંક આવે તેમાં તેને કઈ રીતે જોડાવું એ કઈ ખબર નથી પડતી. હું ઓફિસે હોવ તો સતત ફોન કરી મારે તેને બધુ સમજાવવું પડે છે, જેથી સ્ટ્રેસ અનુભવાય છે.

માતા:  બાળક ભણે છે કે અમે એ જ ખબર નથી પડતી.

વાલી: બાળક તો ઠીક પણ શું શિક્ષકો પણ ઓનલાઈન ભણાવવા માટે માનસિક તૈયાર છે? એ પહેલા જોવો

વાલી: એક તો મારી દીકરી ને આખના નંબર હતા જ અને જ્યારથી આ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારથી આંખોની સમસ્યાઓ વધી છે. એરફોન રાખવાથી માથું પણ હવે દુખે છે.

વાલી: પહેલા તો બાળકોને શાળા માં મોબાઈલની છુટ જ નહોતી અને અચાનક આ મોબાઈલ જ શિક્ષણનું માધ્યમ બને એ કઈ સમજી ન શકાય.

શિક્ષક: બાળકોને ભણાવીએ છીએ કે મશીનોને કઈ સમજાતું નથી. ક્લાસની અંદર બાળકોને જોઈ ભણાવવાની જે ઉર્જા મળી રહે તે મોબાઇલમા નથી મળતી. ક્લાસમાં વિદ્યાર્થી આખની શરમ રાખીને પણ ભણવા બેસતા જ્યારે ઓનલાઇન શિક્ષણમાં એ શરમ ક્યાક જતી રહી હોય એવું લાગે છે.

ઓનલાઈન શિક્ષણમાં બાળકોને અનુભવતી સમસ્યાઓ જોઈએ તો નેટવર્ક ન આવતા ગુસ્સે થવું સહુથી વધુ વિદ્યાર્થી અનુભવે છે. ત્યારબાદ આખોની તકલીફ, ભણવામાં રસ ન લાગવો, કંટાળો. પરાણે ભણવા બેસવું, ચીડિયાપણું, કમરનો દુખાવો, ઊંઘ સરખી ન થવી અને ભોજનમાં અરુચિ થાય છે. ડો. આઈ.કે. વીજળીવાળાના મતે પણ ઓનલાઈન શિક્ષણથી માથાનો દુખાવો, ડોકનો દુખાવો, આખોની તકલીફ, હાથમાં જણજણાટી, ઊલટીઓ થવી, ડોક અક્કડ થઈ જવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઓનલાઈન શિક્ષણ વિશે લોકોના મંતવ્યો જોઈએ તો ઘણા લોકોએ જણાવ્યુ કે ઓનલાઈન શિક્ષણ એ સંપૂર્ણ શિક્ષણ નથી.ગ્રામ્ય વિસ્તારમાં નેટની સમસ્યાઓ ખૂબ હોવાથી કેટલીક વખત બહાર બેસી ભણવું પડે, જો વિડીયો મળી જાય તો જ્યારે અનુકૂળ હોય વિદ્યાર્થી ડાઉનલોડ કરી જોઈ લે, કોઈ એક જ એપ્લીકેશનથી ભણાવવા, ઓનલાઈન ભણાવવા માટે નિયમો અને ગાઈડ લાઇન બહાર પાડવી ખૂબ જરૂરી છે, એક વખત જો બાળકોને મોબાઈલની લત લાગશે તો પછી એ છોડવી ખૂબ અઘરી થઈ પડશે, આખા દિવસમાં બે ક્લાકથી વધુ ઓનલાઈન ક્લાસ ન હોવા જોઈએ.

ઓનલાઇન શિક્ષણથી માનસિક નુકશાની આવશે જેમકે બાળકમાં ચીડિયાપણું, એકલાપણું, ટેન્શન આવવું, કંટાળો આવે, અન્ય પ્રવૃતિ કરતા અટકે, મોબાઈલનું વ્યસન વધશે, ભણવામાં રસ નહિ રહે, ડિસિપ્લિન ન રહે, મેન્ટલી ફોકસ ન રહે, વ્યક્તિત્વના વિકાસની ત્રુટીઓ સર્જાશે, માનસિક તાણ અનુભવશે, સમજણના અભાવને કારણે મનોભર વધુ અનુભવે છે, બેચેની, માનસીક કમજોરી અનુભવે છે ઈતર પ્રવૃતીઓમા રસ ઘટશે, સ્વભાવમાં જીદ્દીપણું, નેટ સરખુ આવવાથી સમજવામા અને યાદ રાખવું મુશ્કેલ પડે, સ્વભાવ અને વ્યવહારમાં ખૂબજ પરિવર્તન જોવા મળે છે, હતાશા, મુડમાં ચડ-ઉતર, ડીપ્રેશન, લઘુતા ગ્રંથીનો વિકાસ, ધ્યાન એકાગ્રતામાં મુશ્કેલીઓ, સંસ્થાકીય વતાવરણ ન મળવાથી અભ્યાસમામુશ્કેલી,વગેરે...... 

નાના બાળકોએ ઓનલાઈનનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઇએ અને હાલની સ્થિતિ જોતાં ઓનલાઈન સિવાઈ બીજો કોઈ વિકલ્પ નથી

બાળક ખોટી રીતે નૅટનો ઉપયોગ કરી શકે છે અને ઇન્ટરનેટની આડ અસરો થાય.લોકડાઉન દરમિયાન સલાહકેન્દ્રમાં ઘણી માતાઓના એ પ્રકારના ફોન આવેલ કે આ મોબાઈલને કારણે એ ભય રહે છે કે બાળકોમાં સિચેલ સંસ્કારોનું ક્યાક ધોવાણ ન થઈ જાય. વર્ષોની મહેનત ક્યાક પાણીમાં ન જાય તો સારું.

ટેકનોલોજીના સમયમા બાળકોને ટેકનોલોજીથી દુર નહીં કરી શકીયે. પોઝીટીવ વિચારોથી બાળકોમા નવીન અભિગમ આવશે. પણ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરે એવા સંસ્કારો આપવા જરૂરી બનશે. વિજ્ઞાન જરૂરી છે પણ સમાજવિજ્ઞાન એટલું જ જરૂરી છે તે સમાજે ન ભૂલવું જોઈએ. ઓનલાઇન શિક્ષણથી સામાજિક નુકશાની આવશે જેમ કે બાળક પરિવારથી વિમુક્ત થઈ શકે છે, સામાજિક સંબંધો પર  અસર પડી શકે છે, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની આત્મીયતા ઓછી થશે, શિક્ષક બાળકમાં નૈતિક મૂલ્યોનું ઘડતર નહીં કરી શકે, સામાજિક એકલાપણું આવશે, સામાજિક આંતરક્રિયા ઓછી થશે,સામાજિક દુરી વધશે.

સામાન્ય રીતે બાળકો રોજિંદા જીવનમાં રેગ્યુલર શાળા એ જતા હોવાથી એમનું ધ્યાન ધ્યેય એકજ હો છે જ્યારે હાલ આ મહામારીમાં બાળકો પોતાના ઘરોમાં જ સતત પુરાઈ રહેવાથી તેમના વર્તનમાં પણ ઘણું બધું પરીવર્તન આવે છે તેમજ સ્વભાવ પણ ચીડિયો જોવા મળે છે

મોબાઈલના પ્રકાશ તથા રેડિએશનથી આંખો, મગજ સહિત શરીરના ભાગને નુકશાન થાય છે. માનસિક રીતે બાળક અનુશાસન વગર સ્વચ્છંદી બને છે. કલાસમેટના સંપર્ક વગર સામાજિક એકલતાનો ભય રહે છે. જેથી ખુશમિજાજ ન રહેતા ઉદાસ બને છે..

એક બાજુ વિદ્યાર્થીઓને વિદ્યુત ઉપકરણોથી દૂર રેહવાનું કહેવામાં આવે છે અને હવે આવી મહામારીમાં શાળા તરફથી ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ફરજિયાત કરવામાં આવે છે, તો હવે વિદ્યાર્થી જે મોબાઈલ દ્વારા શિક્ષણથી ટેવાયો જ નથી તેથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ધ્યાન એકાગ્રતામાં મુશ્કેલી થઈ શકે છે.

મધ્યમવર્ગના લોકો પાસે લેપટોપ જેવી સુવિધાઓ ન હોય અને જે ઘરમાં બહુ મહેનત કરી એક મોબાઈલ હોય ત્યાં બાળકોને ઓનલાઈન ભણતર સાથે તાદત્મ્ય કેળવવું મુશ્કેલ બની જાય

ધો. 12 સુધી ઓનલાઇન શિક્ષણએ નુકસાનકારક છૅ જ્યાં સુધી બાળકના અમુક પ્રશ્નોનું સમાધાન ન થાય ત્યાં સુધી  ઍ મુંઝાયેલો રહે કેમ કે લાગણીના મીટર ઝુમ, ગુગલ કે યુ-ટ્યુબ માપી શકતા નથી. એતો માત્ર એક શિક્ષક જ માપી શકે.

ઓનલાઇન શિક્ષણથી બાળકના વ્યક્તિત્વનો વિકાસ રૂંધાય છે બાળકોમાં માનસિક વિકૃતિઓનો પ્રભાવ વધે છે બાળક સીધેસીધું ઇન્ટરનેટના સંપર્કમાં હોવાથી તેઓ વિકૃત ચલચિત્રો તરફ પણ વળી શકે છે

મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં ઘણી સમસ્યાઓ અનુભવે છે. ઓનલાઈન શિક્ષણ સાથે કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ બહુ મુશ્કેલીથી સમાયોજન સાધી શકે છે ત્યારે શાળાઑના ભુલકાઓની સ્થિતિ કેવી હોઈ શકે એ સમજી શકાય. આ સર્વે પરથી કહી શકીએ કે આપણે કોઈક વચગાળાનો માર્ગ અપનાવવો ખુબ જરૂરી છે. જેથી બાળકોનો યોગ્ય વિકાસ પણ થઈ શકે અને તેને કોઈ નુકસાન પણ ન થાય. મનોવિજ્ઞાન એવું કહે છે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તેની વ્યક્તિત્વ પર ખુબ અસર થાય છે. તો આજ આ ઓનલાઈન શિક્ષણની  કોઈ નિષેધક અસર ન થાય એ જોવાની જ્વાબદારી આપણા સહુની છે.

મનોવિજ્ઞાનના અધ્યાપકો તરીકેના નિરિક્ષણ પછી અમારું એ સૂચન છે કે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ન આપવું જોઈએ. આ ઉમરના બાળકો હજુ એટલા પરિપક્વ નથી હોતા કે તેઓ મોબાઈલને શિક્ષણનું માધ્યમ માની શકે. ઘણી વખત અલગ અલગ પ્રકારની જાહેરાતો ઇન્ટરનેટ પર આવતી હોય છે અને જો એ જાહેરાતોની બાળ માનસ પર નિષેધક અસર થશે તો આપનું બાળક કોઈ ઊંધી દિશામાં પણ જઈ શકે. ઓનલાઇન શિક્ષણ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે હોય તો બહુ મુશ્કેલી નહીં સર્જી શકે કારણકે આ ઉમરના બાળકો હવે પરિપકવ છે અને તેઓ દરેક બાબતોના વિધાયક અને નિષેધક પાસાઓ થી પરિચિત હોય છે. બાળક અનુકુલનથી શીખતું હોય છે જે શિક્ષણ તેને એક શિક્ષક આપી શકે તે એક મોબાઈલ ક્યારેય પણ નહિ આપી શકે.

 

ડો. યોગેશ એ. જોગસણ                                                                       ડો. ધારા આર. દોશી

     અધ્યક્ષ                                                                                       અધ્યાપક

મનોવિજ્ઞાન ભવન                                                                             મનોવિજ્ઞાન ભવન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી                                                                            સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

 

 


Department: Department of Psychology

11-07-2020