psychological survey on women insecurity by Taufik jadav & Dr. Hasmukh Chavda

આઝાદ ભારતમાં સ્ત્રીઓ અસુરક્ષાનો અનુભવ કરે છે.

       

ભારત દેશ પોતાની સંસ્કૃતિના જતન માટે આજે પણ જગવિખ્યાત છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને દેવી સ્વરૂપ માની પુજવામા આવે છે અને આજે દેશમા સૌથી વધુ જો કોઇ અસુરક્ષાનો અનુભવ કરતું હોય તો એ સ્ત્રી છે. એવું નથી કે જમાનો આજે ખરાબ છે જમાનો તો કાલે પણ ખરાબ હતો. દ્રોપદીના ચીર હરણ કરનારાઓને સમાજનાં લોકો ભુલી ગયા પણ સિતાને હાથ પણ ન અડાડનારને લોકો આજે પણ અગ્નિદાહ દઇ દહન કરે છે. પ્રાચિન સમયમાં સ્ત્રી પ્રત્યે એક માન-સન્માન હતું અને સ્રી પ્રત્યે એક પ્રકારની નૈતિક જવાબદારીઓ હતી. જે આજે ખતમ થઇ ગઇ છે માટે તેઓ પોતાને અસુરક્ષિત અનુભવ કરે છે. આ અસુરક્ષાનાં ભયથી મુક્ત થવા આજે સ્રીઓ ગન(પીસ્તોલ) કે તીક્ષ્ણ હથિયારો પોતાની પાસે રાખવાની માંગણી કરી રહી છે.

 

આધુનિક મનોવૈજ્ઞાનિકોનું ધ્યાન સ્ત્રીઓ દ્વારા અનુભવાતી અસુરક્ષા તરફ વધારે ગયુ છે. સ્ત્રીઓની અસુરક્ષાનું મુખ્ય કારણ સ્ત્રીઓ સાથે થનાર હિંસક વર્તન અને યોગ્ય ન્યાય ના મળવો તે છે.

 

થોમસન રોઇટર્સ ફાઉન્ડેશનના રીપોર્ટ અનુસાર મહિલાઓ માટે ભારત દેશ સૌથી ખતરનાક દેશ છે. આ સર્વેની માનો કે કેટલીક મર્યાદાઓ હોઈ શકે, પરંતુ આપણો અનુભવ પણ એ કડવી હકીકતને પુરવાર કરે છે કે ભારતમાં સ્ત્રીઓ જાહેર સ્થળોએ ફરતી નથી. દેશના ઘણા વિસ્તારોમાં આજે પણ મહિલાઓને રાત્રે નિકળવું એ આત્મહત્યા કરવા બરાબર લાગે છે.

 

દેશમાં નિર્ભયા ઘટના પછી કમિશનની ભલામણો પર કાયદામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. 2013ના કેન્દ્રીય બજેટમાં નિર્ભયા ફંડ નામથી 100 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જેની રકમ અત્યાર સુધી વધીને 300 કરોડ થઈ ગઈ છે. તેનો હેતુ એવી વ્યવસ્થા કરવાનો હતો કે સ્ત્રીઓ પોતાને અસુરક્ષિત મહેસુસ ન કરે. દેશમાં એવા કેન્દ્રો ખોલવાના હતા જ્યાં પીડિત મહિલાઓને એક છત નીચે તબીબી, કાનૂની સહાય અને માનસિક સલાહ મળી શકે. આ સિવાય જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા, મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા વધારવી અને નવી હેલ્પલાઈન શરૂ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. 

 

21 ઓક્ટોબર, 2019નાં રોજ રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા વર્ષ 2017નો ક્રાઇમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના 3,59,849 કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશ સૌથી વધું 56011 કેસો સાથે પ્રથમ સ્થાને હતું. વર્ષ 2016 ની સરખામણીએ 2017 માં મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ગુનાઓની સંખ્યામાં 6% વધારો થયો છે. મહિલાઓ વિરુદ્ધનાં  ગુનાઓમાં વર્ષ 2018 થી 2019 સુધીમાં 7.3 ટકાનો વધારો થયો હતો અને અનુસૂચિત જાતિ વિરુદ્ધના ગુનાઓ પણ 7.3 ટકા વધ્યાં હતાં. યુ.પી.માં POSCO (The Protection of Children from Sexual Offences Act 2012) કાયદા અંતર્ગત સૌથી વધુ 7444 ગુનાઓ  બાળકી વિરુદ્ધનાં ગુના થયા છે. દેશમાં 2019માં 900થી વધુ ગેંગ રેપ રાજસ્થાનમાં થયા છે. 2015માં દેશભરમાં બળાત્કારના 34,000થી વધુ કેસ હતા જે 2016માં વધીને 34,600 પર પહોંચી ગયા.

 

સ્ત્રીઓ અસુરક્ષિત છે.  સવાલ થાય કે કોનાથી?  તેનો જવાબ છે પુરુષોથી.  નિરક્ષરતા, કઠોરતા, રૂઢિચુસ્ત વિચારસરણી, અનૈતિકતા, ચલચિત્રો અને ટીવી દ્વારા વધતી અશ્લીલતા, આનંદની વસ્તું તરીકે પુરૂષોની માનસિકતાના મિશ્રિત પરિણામોને લીધે મહિલાઓ અસલામત બની છે.

 

કાયદાની નબળાઇ, પોલીસ કાર્યવાહીમાં શિથિલતા, પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ, ડ્રગ્સનો વધતો ઉપયોગ, નૈતિક મૂલ્યોનું પતન અને સામાજિક મૂલ્યોમાં ઘટાડો વગેરેને કારણે સ્ત્રીઓ આજે પોતાને અસુરક્ષિત અનુભવે છે.

 

સ્ત્રીઓ બધે જ પોતાને અસુરક્ષિત અનુભવે છે.  રોજબરોજનાં સામયિક પત્રોમાં અને ન્યુઝ ચેનલોમાં આપણે કેટલી નિર્દોષ છોકરીઓ અને મહિલાઓ જાતીય સતામણીનો ભોગ બને છે તે જોઇએ છીએ. જ્યારે આવી સમસ્યાઓ પર ઝડપી કાર્યવાહીઓ કરવામાં નથી આવતી કે ગુન્હેગારોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે દેશની બીજી મહિલાઓ કે બાળકીઓ પોતાની જાતિય સતામણીની ફરિયાદ કરવામાં પોતાને અસુરક્ષિત મહેસુસ કરે છે. તે સાચું છે કે મહિલા સશક્તિકરણ માટે ઘણા કાયદા છે, પરંતુ જ્યાં સુધી ઝડપી કાર્યવાહી કરવામાં નહીં આવે અને દોષીઓને ઝડપથી સજા ન અપાય ત્યાં સુધી પરિસ્થિતિ બદલાશે નહી. 

 

હવે બધાએ જાગવું જોઈએ અને મહિલાઓની સલામતીના મામલે કોઈ સમાધાન વિચારવું જોઈએ. જ્યાં સુધી આપણે મહિલાઓને સશક્ત નહીં કરીએ ત્યાં સુધી સ્ત્રીઓ બધે જ અસુરક્ષિત રહેશે, તેથી આપણે મહિલા સશક્તિકરણ પર ધ્યાન આપવું જોઈએ.

 

સ્ત્રીઓ અનુભવતી અસુરક્ષાઓ નીચે મુજબ છે.

 

 1. જાતિય અસુરક્ષા : જાતિય અસુરક્ષામાં આપણે સ્ત્રીઓ સાથે થતો જાતિય દુરવ્યવહાર, શારીરિક છેડતી, પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન ન થવા, બળાત્કાર વગેરે...
 2. ન્યાયની અસુરક્ષા : આજે સ્ત્રીઓ પર અસંખ્ય હિંસાઓ અને બળાત્કારોનાં કેસો આવી રહ્યા છે. જેમાં તેમને યોગ્ય ન્યાય મળતો નથી. પરિણામે પોતાને યોગ્ય ન્યાન નહી મળે તેવું તે અનુભવતી હોય છે.
 3. પારિવારિક અસુરક્ષા : ઘણીબધી સ્ત્રીઓ હિંસા, દુષ્કૃત્યો, બળાત્કાર, જાતિય રીતે ખરાબ વર્તન જેવી અનેક બાબતોનો ભોગ બનતી હોય છે. પણ આ પુરૂષ પ્રધાન દેશની માનસિકતાનાં કારણે તેમનું કોઇ સાંભળશે નહિ અથવા તો પોતાને મારી નાખવામાં આવશે, પોતાના પરિવારની માન-મર્યાદાને ઠેશ પહોચશે જેવી અનેક બાબતોનાં કારણે તે આ પ્રકારની અસુરક્ષા અનુભવે છે.
 4. સામાજિક અસુરક્ષા : આપણા સમાજમાં સ્ત્રીઓને હંમેશાથી નબળી અને પુરૂષો કરતા નિમ્ન કક્ષાની સમજવામાં આવી છે. આ સામજિક માનસિકતાનાં કારણે સ્ત્રીઓ જ પોતાને અસુરક્ષિત અને અબળા સમજે છે. સામાજિક રૂઢિચુસ્તતાની છાપ તેના મન પર એવી પડી છે કે તે પોતે પણ અન્ય સ્ત્રીઓને સ્વતંત્ર રહેવા દેતી નથી અને પોતે પણ સ્વતંત્ર રહેતી નથી.  
 5. અસહાયતા : પોતાનીસાથે કોઇ દુષ્કૃત્ય થયુ છે પણ પોતાને કોઇ મદદ નહિ કરે તેવી ભાવના તેનામાં પ્રગટ થાય છે ત્યારે તે પોતાને અસહાય સમજે છે.

 

કારણો:-

 

 1. કાયદામાં લવચિકતા છે, જેમાં પીડિતાને ન્યાય માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે.
 2. ઝડપી કાર્યવાહીનો અભાવ.
 3. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરના કારણે આપણે સ્ત્રી સન્માનને ભૂલી ગયા છીએ.
 4. આપણો સમાજ પુરૂષ વર્ચસ્વ ધરાવતો સમાજ છે અને તેના કારણે પુરુષો વર્ષોથી મહિલાઓને નબળી માનતા આવ્યા છે. માટે તેઓ જ્યારે મહિલાઓ પર હિંસા કરે ત્યારે તે બેખોફ હોય છે.
 5. રૂઢિવાદી માનસિકતા : સ્ત્રીઓને સમાન અધિકાર આપવો જોઇએ, એવી ઘણીબધી વાતો કરવામાં આવે છે, પરંતુ આજે પણ સમાજમાં એક વર્ગ એવો છે જે મહિલાઓની સ્વતંત્રતા સ્વીકારવા સક્ષમ નથી.  આ વર્ગમાં મોટાભાગે એવા લોકો છે કે જેઓ કઠોર રૂઢીવાદી છે અને તેઓ તેમના રૂઢીચુસ્તતાના અભિપ્રાયોથી છુટકારો મેળવી શકતા નથી.  તેમને પુરુષો સાથે ચાલતી સ્ત્રીઓ પસંદ નથી.  આ બધી બાબતોને કારણે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે.
 6. દુષિત માનસિકતા : કુટુંબોની રેસમાં બાળકોને આગળ વધારવા માટેની રેસમાં સંસ્કારોના શિક્ષણની અવગણનાથી નૈતિકતાનો પાયો નબળો પડી રહ્યો છે.  સમાજમાં ભ્રષ્ટ માનસિકતાવાળા પુરુષોની સંખ્યામાં વધારો મહિલાઓની અસુરક્ષાનું ખૂબ મહત્વનું કારણ છે.
 7. વિરોધી જાતિ પ્રત્યે વેરભાવ અને દ્વેષવૃતિ : સ્ત્રી અસુરક્ષાનો એક આધાર વિરોધી જાતિ પ્રત્યે વેરભાવ, પુરૂષ અને સ્ત્રી વચ્ચે  દ્વેષભાવ છે. પુરૂષ જ્યારે સ્ત્રી પ્રત્યે વેરભાવ રાખે છે જેના પરિણામે પુરૂષ સ્ત્રી પ્રત્યે હિંસક અને આક્રમક વર્તન કરે છે. 
 8. જાતિ તફાવત :સમાજમાં દિકરા-દીકરીનું પાલન જાતિગત તફાવતોને આધારે થાય છે. દીકરીઓ માટે પોતાની મરજીનું જિવન જીવવું આજે પણ મુશ્કેલ છે. સમાજમાં દીકરી માટે લગ્ન અનિવાર્ય છે તે ભલે પછી એને છોકરો ગમતો હોય કે ન ગમતો હોય. આજે પણ દીકરીને જતું કરવાની ભાવના શિખવાડવામાં આવે છે અને લાગણીને વશ કરી તેની પાસે અણગમતી બાબતો પણ કરાવવામાં આવે છે.  

 

ઉપાય :

 1. મહિલા સંરક્ષણ નિયમ, 2005 :ઘરેલું હિંસા અને ખસ કરીને સ્ત્રીઓ સાથે થનાર હિંસક વર્તનને નિયંત્રિત કરવા માટે મહિલા સંરક્ષણ ધારો, 2005નો ઉપયોગ કરી શકાય છે. પીડિત સ્ત્રી વકીલ્ની પાસે સંબંધિતહિંસાની માહિતી અદાલત સંબંધિત રક્ષણ અધિકારીને આપે છે. આ રીતે નક્કી કરાયેલ ઔપચારિકતાને પૂર્ણ કર્યા બાદ પીડિત સ્ત્રીને જરૂરી રક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ અજ્ઞાનતા, અશિક્ષણ, આર્થિક અસર્થતા, ધાર્મિક અંધવિશ્વાસ વગેરે કારણોસર ઘણી સ્ત્રીઓ આ કાયદાની વ્યવસ્થાનો લાભ નથી મેળવી શકતી. માટે સ્ત્રી જાગૃતિને ધ્યાનમાં લઇ સ્ત્રી કાયદાઓની જાણકારી સમાજમાં વધે તેવા પ્રયત્નો કરવા જોઇએ.
 2. દેશમાં રોજબરોજ મહિલાઓ પર બળાત્કાર, છેડતી, હિંસાની ઘટનાઓ સાંભળવા અને વાંચવા મળે છે.  કેટલાક કેસોને બાદ કરતા, હજારો પીડિત મહિલાઓ ન્યાય માટે આજે પણ ઠોકર ખાઈ રહી છે, પરંતુ તેમને આજદીન સુધી ન્યાય મળ્યો નથી.   આ માટે આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઇએ અને 6 મહિનાની અંદર ગુન્હેગારને કડક સજા આપવામાં આવે તો મહિલાઓ જે અસુરક્ષાનો અનુભવ કરે છે તેને ઓછો કરી શકાય.
 3. આપણા સમાજમાં સ્ત્રીને પ્રાચીન સમયથી જ નબળી માનવામાં આવી છે. તેથી પરિવારના લોકો દ્વારા તેમને કહેવામાં આવે છે કે સ્ત્રીઓને બહાર જઇને કામ ન કરવું જોઈએ, તેઓએ ફક્ત ઘરનું કામ કરવું જોઈએ. આ મનસિકતામાં આપણે પરિવર્તન લાવવું પડશે અને સમાજને મહિલાઓની શક્તિથી વાકેફ કરવો પડશે. 
 4. આપણે આપણા સમાજની વિચારસરણી બદલવા, જેટલું કરી શકીએ તેટલું કરવું પડશે, કારણ કે જો મહિલાઓ પર જ્યારે તેમના ઘરે હિંસા કરવામાં આવે છે, તો તેમને પરિવારના આદરનું કારણ આપીને આપીને ચુપ કરી દેવામાં છે.
 5. આપણે સ્ત્રીઓને આ પુરુષ પ્રભુત્વ ધરાવતા સમાજોના ચુંગલમાંથી મુક્તિ અપાવવી પડશે અને શિક્ષણ દ્વારા તેમને સશક્ત બનાવવી પડશે.
 6. સ્ત્રીઓના હિતમાં ગમે તેટલા કાયદાઓ કેમ ન ઘડી લઇએ, પરંતુ નિર્દય ભ્રષ્ટ માનસિકતાવાળા લોકો દ્વારા મહિલાઓ બધે જ પીડીત થતી રહેશે. બાળપણથી જ સંસ્કારો પર ભાર મૂકવામાં આવશે તો જ મહિલાઓ સુરક્ષિત રહેશે.
 7. જ્યાં સુધી મહિલાઓને ઝડપી ન્યાય નહીં મળે અને ગુનેગારોને સજા કરવામાં વિલંબ થશે ત્યાં સુધી સ્ત્રીઓ બધે જ અસલામતી અનુભવશે.  સ્ત્રીઓને તેમના અધિકારો માટે વધુ સજાગ અને જાગૃત થવાની જરૂર છે.
 8. સરકારે મહિલાઓના રક્ષણ માટે ઘણા કાયદા બનાવ્યા છે.  પણ એવું લાગે છે કે લોકોને કાયદાનો ડર નથી. તેનું મુખ્ય કારણ પોલીસ અને વહીવટીતંત્ર છે.  કાયદાની કેટલીક ખામીઓને કારણે દોષિતોનો બચાવ થયો છે.  અશ્લીલતાનો ફેલાવો પણ એક કારણ છે.  મહિલાઓને પોતાને બચાવવા માટે પ્રશિક્ષિત અને જાગૃત કરવા જોઈએ.
 9. શિક્ષણ પ્રણાલીમાં સુધારો જરૂરી છે.
 10. જ્યારે સ્ત્રી મજબૂત હશે, તો સ્ત્રી સુરક્ષિત રહેશે. માટે સ્ત્રીની મજબુતાઇ વધે તે હેતું તેમને સરકારી જોબ્સ, પોતાનો આવાજ ઉઠાવી શકે માટે સંસદગૃહ અને વિધાનસભા ગૃહમાં અનામત જગ્યાઓ વધારવી વગેરે...

 

તૌફિક એચ. જાદવ

પીએચ.ડી. સ્કોલર,

મનોવિજ્ઞાન ભવન,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

ડૉ. હસમુખ એમ. ચાવડા

આસિસ્ટન્ટ પ્રોફેસર,

મનોવિજ્ઞાન ભવન,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

 

 

 

 

 

 


Department: Department of Psychology

10-06-2021