psychological article by rumors effect on mental state by Purohit Ami & Dr. Dhara R. Doshi

*અફવાઓની માનસિકતા પર થતી અસર*

 

*પુરોહિત અમી, વિદ્યાર્થી, મનોવિજ્ઞાન ભવન*

*ડો. ધારા આર.દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી*

 

આધુનિક યુગમાં વધતા જતા મોબાઇલ કે સોશિયલ મીડિયાના ઉપયોગ ને લીધે અફવાઓનો ફેલાવો તો ખૂબ જ સામાન્ય થવા લાગ્યો છે..જાણે કે એમ  લાગે છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને નીચે દેખાડવા કે તેને પાડી નાખવા અથવા તેને ઉશ્કેરવા માટે આવા કાવતરાઓ રચતા હશે સાથે પોતાના અહમ ના સંતોષ માટે પણ ખોટી અફવાઓ લોકો ફેલાવતા જોવા મળે છે.

 

જ્યારે પણ કોઈ આપતિ કે મુશ્કેલીઓ આવે છે ત્યારે લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી એ બાબતો પર પણ વિશ્વાસ રાખવાનું શરૂ કરી દે છે જેનો કઈ અર્થ નથી હોતો. આજે કોરોના ના સમયે પણ એ જ બાબત જોવા મળી છે કે સોશિયલ મીડિયા પર ફરતી અમુક ખોટી અફવાઓ ને કારણે લોકો પોતાના ડોક્ટર બની ગયા છે. ખોટી અફવાઓ અને ખોટા સમાચારો ની નબળા મનની વ્યક્તિ પર ખૂબ ખરાબ અસર થાય છે. ઘણી વખત એ પોતે ભાંગી પડે છે અને ન કરવાનું પોતે કરી બેસે છે.

*અફવાઓ ની જે અસર થાય એ વિશે વાત કરી તો મનોવિજ્ઞાન ભવનમાં કાર્યરત કાઉન્સેલિંગ સેન્ટર માં જે ફોન આવેલ એ બાબત નું જો વિશ્લેષણ કરીએ તો 63 ટકાથી પણ વધુ લોકો અફવાને કારણે ભય અનુભવતા માલુમ પડે છે સાથે અફવાઓથી એક પ્રકારનો માસ હિસ્ટીરિયા પણ વધતો જોવા મળે છે .*

 

ઇલેક્ટ્રોનિક સાધનો કે મીડિયા એક સિક્કાની બે બાજુ સમાન છે જેમ સોશિયલ મીડિયા અને મોબાઈલ કોઈ જરૂરી માહિતી મેળવવા માટે કે માહિતી પ્રાપ્ત કરવા માટેનુ સાધન બન્યું છે ત્યારે તેના ગેર ઉપયોગ થવાની બાબતમાં કોઈ શંકાને અવકાશ નથી.

 

અફવા એટલે કોઈ એકાદી અંશતઃ સાચી કે એકદમ ખોટી કે બનાવેલી ઘટના વિશે વહેતા મુકેલા નકારાત્મક કે કટાક્ષ ફેલાવનાર સમાચાર.

 

તે ' *મહત્વનો વિષય*' અને ' *અનિશ્ચિત વાત*' આ બંને બાબતો નો સમન્વય છે.અફવા એ કોઈ જૂથ કે સંકુલ સમાજમાં બનતી ઘટના છે તે ફેલાવવાના કારણોમાં લોકોની ઈર્ષા કે અદેખાઈ મુખ્ય હોઈ શકે છે. સકારાત્મક કે સાચા સમાચાર કરતા આવા અનિશ્ચિત અથવા અફવા ભરેલા સમાચારો બે ગણા વધુ ઝડપથી ફેલાતા હોય છે..

 

આવા નેગેટિવ ન્યૂઝ ઝડપથી ફેલાવાના કારણો શું હોઈ શકે? 

જ્યારે તેના પ્રત્યુત્તરમાં કહી શકાય કે અફવા ના વિષયમાં મુખ્યત્વે મારામારી ધાક-ધમકી કે ઉશ્કેરાહટ ઉત્પન્ન કરનાર, કોઈ વ્યક્તિની જ્યારે વધુ જરૂરિયાત હોય તો તેનો લાભ ઉઠાવી તેની લાગણી સાથે છેતરપિંડી કરવા જેવો વિષયોનો સમાવેશ થાય છે જેની ઇચ્છા તેને ફેલાવનાર માનવીના મનમાં પણ ક્યાંક ને ક્યાંક હોય છે આવા લોકો પહેલા અફવા ફેલાવે છે અને પછી તેના પ્રત્યે તેઓને મમતા જન્મે છે જેના લીધે તેનો ફેલાવો ખૂબ બમણો થાય છે. 

જ્યાં સ્પષ્ટ વાત હોય ત્યાં અફવાઓને બહુ અવકાશ હોતો નથી. અજ્ઞાન અને પૂરતી માહિતીના અભાવને લીધે જ મોટા ભાગ ની અફવાઓ ઉદભવતી હોય છે. જ્યાં પૂરતી માહિતી ઉપલબ્ધ નથી ત્યાં રસ ધરાવતા લોકો અધુરી માહિતી અને કલ્પના થી ભરી દે છે. સંકુલ સમાજમાં કે ' જ્યાં કોઈને કોઈની સાથે સીધો સંબંધ હોતો નથી ' ત્યાં અફવાઓ ઝડપથી ફેલાય છે. 

 

 હાલની સ્થિતિમાં જોઈએ તો બોલિવૂડ ના પ્રસિદ્ધ અભિનેત્રી કિરણ ખેરની તબિયત અંગે ફેલાયેલ અફવા ઉપરાંત કોરોનાથી બચવા માટેના ખોટા અને વિવિધ નુસખાઓએ ખબર નહિ કેટલા લોકોને અવળે માર્ગે દોર્યા હશે. જેમ કે સતત જે વાતો આવે છે કે મીથીલીન બ્લ્યુ કોરોના માટે ફાયદાકારક તો તેની સત્યતાની ચકાસણી કર્યાં વગર તેની પાછળ દોટ મુકાઈ છે. 

 

 આવા અનેક કિસ્સાઓ રોજિંદા જીવનમાં આપણી આંખ સામે આવતા રહે છે.ક્યાંકને ક્યાંક લોકોની અજાગૃતતા કે અપૂરતા શિક્ષણ ને લીધે ગાડરિયા પ્રવાહની જેમ વહી જતા લોકો જ તેની પાછળ જવાબદાર છે.કેટલીક વાર આવી અફવાઓને લીધે મોતનો ભોગ બનેલા કિસ્સાઓ પણ પ્રસિદ્ધ થયા છે.

 

આમ, આવી ખોટી અફવાઓ ના ફેલાવ ને કારણે કેટલીક માનસિક અસરો પણ જોવા મળે છે.ક્યારેક ફેક ન્યુઝ ને વ્યક્તિ સાચી માનીને વધુ ફેલાવવાના પ્રયાસો કરે છે પરંતુ બધાને માનસિકતાના સરખી હોતી નથી કેટલાક લોકો તેને ખૂબ ગંભીરતાથી લઈને બેસે છે જેને કારણે તેઓના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડી અસર ઉપર છે જેમાં ક્યારેક વ્યક્તિ ચિંતા વિકૃતિઓ સાથે ડિપ્રેશન તરફ પણ દોરી જાય છે દાખલા તરીકે નબળો વિદ્યાર્થી હતાશ બની અને પરીક્ષા લેવા અંગે બહિષ્કાર કરે છે જ્યારે તેની અસર મહેનત કરતા વિદ્યાર્થીઓને પડે છે તે પરીક્ષા લેવાશે કે નહીં તે અંગે ચિંતાનો અનુભવ કરે છે અને અનેક માનસિક તાણ કે સમસ્યાઓનો ભોગ બને છે.

 

કેટલીક વાર મૃત્યુ ને લગતી ખોટી અફવાઓથી તેમના સ્વજનોને અનેક રીતે માનસિક અસરો થતી જોવા મળે છે. તેઓ ભલે મનથી મક્કમ હોય છતાં પણ તેઓ માનસિક રીતે નબળા પડી જતા હોય છે એકલતા અનુભવે છે તે મ

પોતાને લાચાર હોય તેવું માની શકતા હોય છે.

તો આવી અફવાઓ થી બચવા માટે અને તેમનો ફેલાવવા માટે એક જાગૃત વ્યક્તિ બની,આવી અફવાઓને ફેલાવનાર વ્યક્તિઓને અટકાવી તેઓને જાણકારી કે પૂરતું શિક્ષણ પૂરું પાડવું જોઈએ.ઉપરાંત ખોટી અફવાઓ ના ફેલાવા ને રોકવા માટે આધુનિક સમયમાં જાહેર ચેતવણીઓ પણ આપવામાં આવે છે.આ ઉપરાંત.. આવી ખોટી અફવા ફેલાવે છે તેની સામે ગુનો નોંધી શકાય તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.

 

અફવાથી બચવા એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે કોઇપણ માહિતીની ખાતરી કર્યા વગર એ સ્વીકાર ન કરવી, જ્યાં આપણું જ્ઞાન ઓછું હોય તો ત્યાં કોઈ તજજ્ઞ ની મદદ અથવા સલાહ લેવી, કોઈ જ વાત પર અંધ વિશ્વાસ કરવો નહીં.

આ સમય શાંતિથી વિચારી રહેવાનો છે ખોટી વાતોમાં આવી ખોટા પગલાં લેવા નહિ

 

*અફવાને પગલે લોકો બની શકે માસ હિસ્ટીરીયાનો શિકાર*

 

લોકોમાં તીવ્ર માનસિકતા (મેનીયા) ની અફવાને કારણે લોકો સામૂહિક હિસ્ટેરિયાના શિકાર બની રહ્યા છે.  આમાં, એક અજાણ્યો ડર એકથી બીજા સુધી પહોંચીને અફવાઓને પ્રોત્સાહન આપે છે. મનોવિજ્ઞાનના મતે તીવ્ર માનસિકતાથી પીડાતા અને અફવાઓ મગજમાં ધરાવનાર વ્યક્તિના મગજમાં ડોપામાઇન હોર્મોનની માત્રા નોંધપાત્ર રીતે વધે છે, જે તેના વિચાર, વર્તન, વાણી વગેરેનું સંતુલન બગડે છે.  પીડિત સામાન્ય કરતાં વધુ પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરે છે.  તે જ રીતે તેની બોલવાની માત્રા પણ વધી જાય છે.  જો કોઈ કુટુંબના સભ્યની અફવાની તીવ્ર માનસિકતા હોય, તો પછી પરિવારના અન્ય સભ્યોમાં સમૂહ હિસ્ટેરિયા થવાની સંભાવના વધારે છે.  આ સમસ્યા આસપાસના વાતાવરણમાં પણ ફેલાય છે, પરંતુ આવા કિસ્સાઓમાં, પીડિત અને થોડા સમય માટે અન્ય સભ્યોનું સંતુલન બગડે છે,  જ્યારે સારવાર દ્વારા હોર્મોન્સ સામાન્ય થાય છે ત્યારે બધું સામાન્ય થઈ જાય છે.  સમૂહ હિસ્ટેરિયા તે સ્થળોએ થવાની સંભાવના છે જ્યાં તે પરિવાર અથવા સમાજમાં ભાવનાત્મક રૂપે એકબીજા સાથે જોડાયેલા હોય છે.  પીડિતને જોઇને, પરિવાર અથવા નજીકના અન્ય સભ્યો તેમની જાતને તેનામાં ઓતપ્રોત કરવાનો  પ્રયાસ કરે છે.  આ કિસ્સાઓમાં, જો પીડિત તુરંત સારવાર અથવા સલાહ લેતો નથી, તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.  મોટાભાગના કેસોમાં, ગ્રામીણ વિસ્તારોમાં લોકો સારવાર કરતા ભૂવાઓ પર વધારે વિશ્વાસ રાખતા હોય છે, જે દર્દીની હાલત ખરાબ કરે છે.  જ્યારે આવા લક્ષણો પરિવારના સભ્યોમાં જોવા મળે છે, ત્યારે તેમને પીડિતથી અલગ રાખવા જોઈએ.

 


Department: Department of Psychology

21-06-2021