Research on Social Media and its impact by Nimisha Padaria Student of psychology Department

logo jpeg.jpg

 

 

સોશિયલ મીડિયાની અસર વિશેના સર્વેના ચોકાવનારા તારણો

૨૧મી સદીને જ્ઞાન અને માહિતીની સદી કહેવામા આવે છે . વર્તમાન સમયમાં આધુનિક ટેક્નોલૉજી અને સોશીયલ મીડીયાનો વ્યાપ એટલો ઝડપી વધ્યો છે કે બહુ ઓછા સમયમાં અનેક લોકોના સંપર્કમાં પહોચી શકાય છે. ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ઘણીબધી સાઇટ્સના માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી સરળતાથી પહોચાડી શકે છે. પરંતુ જેમ-જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશીયલ મીડિયાના પણ વિધાયક અને નિષેધક પાસાઓ છે.

આ સર્વેમા કુલ ૫૯૪ લોકોનો સમાવેશ કરવામા આવ્યો હતો. જેમા ૪૯.૬% પુરૂષો અને ૫૦.૪% સ્ત્રીઓ હતી.

આ સર્વેમા ૯૪.૨% લોકોએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન સોશીયલ મિડિયા ઉપયોગી બન્યુ ( લોકડાઉનમાં સમય પસાર કરવામાં અને લોકો સાથે જોડાયેલ રહેવામાં સૌથી ઉપયોગી લાગ્યું )  અને ૬.૮% લોકોએ જણાવ્યુ કે લોકડાઉન દરમિયાન સોશિયલ મિડિયા બિલકુલ ઉપયોગી બન્યુ ન હતુ.

 હાલના સમયમાં સોશીયલ મિડિયા કેટલા અંશે ઉપયોગી બન્યું તો એના જવાબમા જોવા મળ્યું કે ૬૨.૬% ખુબ જ, ૩૩.૧% પ્રમાણમા અને ૪.૩% નહિવત પ્રમાણમા સોશિયલ મિડિયા ઉપયોગી બને છે.

સોશિયલ મિડિયામા રહેલી ખાનગી માહિતી ખાનગી નહિ રહે એવું ૪૦.૩% લોકોએ કહ્યુ જ્યારે માહિતી ખાનગી રહેશે એવું મત્ર ૧૫.૮% એ જ જણાવ્યુ હતું. પરંતુ પોતાની માહિતી ખાનગી રહેશે કે નહિ તે અંગે ૪૩.૯% હજુ ચોક્કસ નથી.

સોશિયલ મિડિયાનો ઉપયોગ આપ શા માટે કરો છો?

તે પ્રશ્નના જવાબમાં પ્રથમ ક્રમે લોકોએ જણાવ્યું કે નવુ જાણવા માટે અને દ્વિતીય ક્રમે લોકોએ જણાવ્યું કે લોકોની સાથે સમ્પર્કમા રહેવા માટે. ત્યારબાદ લોકોએ જણાવ્યું કે સમય પસાર કરવા માટે અને પોતાના વિચારો રજુ કરવા માટે, એ પણ જણાવ્યું કે જૂના સબંધો સાચવવા માટે અને  મોર્ડન દેખાવા માટે તથા નવા મિત્રો બનાવવા માટે કરીએ છીએ. 

 

સોશિયલ મિડીયાનો વધુ ઉપયોગ કરવાથી શારીરિક તકલીફ થાય છે?

તેના જવાબમા ૬૩.૩% લોકોએ જણાવ્યું કે સોશિયલ મીડિયાથી શારીરિક તકલીફ થાય છે અને ૩૬.૭% લોકોએ જણાવ્યુ કે સોશિયલ મિડિયાની કોઇ શારીરિક તકલીફ થતી નથી.

 

સોશિયલ મિડિયાની સામાજિક, માનસિક અને વ્યક્તિગત અસર શુ અનુભવો છો?

 • સોશિયલ મિડિયા એક એવું સાધન છે કે પૂરા વિશ્વમાં બનતી ઘટના, નવી માહિતી વિશે જાણવા મળે છે. એ એક સારી બાબત છે પણ જ્યારે કોઇ આતંકવાદી હુમલાઓ, કોમી રમખાણો વગેરે ઝઘડાઓ થાય છે તો તેમા મહદંશે સોશિયલ મિડિયા જવાબદાર હોય છે. જરૂર પૂરતો ઉપયોગ કરવાથી સામાજિક સબંધો જળવાય છે. લોકોનો સંપર્ક બની રહે છે. સામાજિક અસર એવી પણ થાય છે કે ક્યારેક કોઇ પ્રતિક્રિયા ન આપીએ તો અર્થઘટન અલગ-અલગ થાય. ઘણી વખત ઇંસ્ટાગ્રામ, વોટ્સએપ કે ફેસબુક પર પોસ્ટ કરેલ હોય પણ લાઇક ન મળતા બેચેની અનુભવાય છે, આંખનો દુખાવો, માથાનો દુખાવો, હાથનો દુખાવો અને માનસિક તણાવ અનુભવાય છે, સોશિયલ મિડિયા દ્વારા સમાજ કે સમુહની વિચારસરણી જાણી શકાય છે. ખાસ કરીને ૨૧મી સદીમા પણ ભારતમા જાતિગત ભેદભાવ છે તે સોશિયલ મિડિયા દ્વારા જાણી શકાય છે. વિચારોને વ્યક્ત કરવાનુએક સારુ માધ્યમ છે. આ સોશિયલ મિડિયા એ જ કોરોનાની વધુ પડતી બીક લોકોના મનમા નાખી છે, જેથી દરેક વ્યક્તિ બીજા વ્યક્તિથી ડરેલો રહે છે. સોશિયલ મિડિયા થકી સારી માહિતી અને સાચી માહિતી કરતા અયોગ્ય અને ખોટી માહિતી પ્રસરાય છે. આ સર્વે મુજબ કોરોનાનો ભય ફેલાવવામાં સોશિયલ મિડિયા ઘણા અંશે જવાબદાર છે.  

સોશિયલ મિડિયા વિશેના અન્ય લોક ખ્યાલો

 • સમય પસાર થાય છે, લોકડાઉનમા ઉપયોગી હતું, સમજીને વાપરો તો ઉપયોગી, ફેમસ બની શકો, નવુ નવુ શિખવા મળે પરંતુ વધારે ઉપયોગ નુકશાન કારક છે, વ્યવસાયમા વધુ ઉપયોગી છે, સંશોધનમા ઉપયોગી થઇ શકે છે, લોકો સાથે કઇ રીતે રહેવુ તે પણ સોશિયલ મિડિયા દ્વારા શીખી શકાય છે, નવા અપડેટ, નવી ફેશન, ઘરથી લાખો કિલોમીટર દુર બેઠા હોવા છતા સમ્પર્ક રાખી શકાય છે.

 

ફોન એક કે બે દિવસ તમારી પાસે ન હોય તો કેવુ અનુભવો ?

તેના જવાબમાં ૪૬% લોકોએ અણગમો વ્યક્ત કર્યો હતો, ૩૩.૮% લોકોએ કોઇ અસર ન થાય તેવું જણાવ્યું હતુ, ૧૩.૭% લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને ૬.૫% લોકો એ જણાવ્યુ હતું કે અમને ખુબ જ સ્ટ્રેસનો અનુભવ થાય.

નેટવર્ક પ્રોબ્લેમને કારણે સોશિયલ મિડીયાનો ઉપયોગ ન કરી શકો ત્યારે શુ અનુભવો છો?

તેના જવાબમા ૪૭.૫% લોકોએ જણાવ્યું કે અમને બેચેનીનો અનુભવ થાય, ૩૭.૪% લોકો એ જણાવ્યુ કે કોઇ અસર ન થાય અને ૧૫.૧% લોકોએ જણાવ્યું કે અમને રાહતનો અનુભવ થાય.

સોશિયલ મિડીયાનો અતિરેક આપના મતે કોને કહેવાય?આપ કેટલો સમય ઉપયોગ કરો છો?

આ પ્રશ્નના જવાબમા લોકોએ જણાવ્યુ કે

 • કામ ન હોય અને વારંવાર નવી નવી એપ્લીકેશન જોઇએ અને ખોલીએ એ અતિરેક ગણાય, બધા સાથે હોય ત્યારે પણ મોબાઇલ વગર ન ચાલે તે અતિરેક, દર બે મિનિટે મેસેજ ચેક કરવા મોબાઇલ હાથમા લેવો, રાત્રે સુતી વખતે પણ મોબાઇલ બાજુમા રાખી સુવુ. પાચ થી છ કલાકથી વધુ ઉપયોગ કરવો તે.

સોશિયલ મિડીયાથી તમારા જીવનનો હકારાત્મક અનુભવ કહો.

 • વ્યવસાયમાં વધારો, આર્થિક સંકળામણના કારણે પ્રાઈવેટ ક્લાસીસમાં અંગ્રેજી શીખી ન શકી પરંતુ  યુ-ટ્યુબ દ્વારા ઇગ્લીશ શિખવા મળ્યું.
 • ૧૦ વર્ષ જૂની મારી મિત્રને મળી શકી.
 • અમેરિકા રહેલ દિકરા સાથે સંપર્કમાં રહી શકુ છુ.
 • મારી નવી નવી રેસિપી સોશિયલ મિડીયા થકી લોકોને જણાવી શકુ છુ.
 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામા ઉપયોગી બન્યું.

 

સોશિયલ મિડીયાથી તમારી અંગત લાઇફમાં અસલામતી અનુભવો છો?

તેના જવાબમા ૬૦.૪% લોકોએ જણાવ્યુ કે હા અમે અમારી અંગત લાઇફમા અસલામતી અનુભવીએ છીએ. ૨૩.૭% લોકોએ જણાવ્યુ કે ના અમારા અંગત જીવનમાં સોશિયલ મિડીયાથી અસલામતી અનુભવતા નથી અને ૧૫.૮% લોકોએ જણાવ્યુકે સોશિયલ મિડીયાની અમારા અંગત જીવન પર કોઇ અસર થતી નથી.

સોશિયલ મિડીયાને કારણે તમારા વ્યક્તિગત સબંધઓમા મુશ્કેલી આવે છે?

તેના જવાબમા ૮૪.૯% લોકોએ હા કહી અને ૧૫.૧% લોકો એ ના કહી.

સોશિયલ મિડીયા શાપ કે અભિશાપ તેના જવાબમા જણાવ્યુ કે તે તેના ઉપયોગ પર આધારિત છે.

લોકડાઉન દરમિયાન  તમને સોશિયલ મીડિયા દ્વારા  ફાયદો થયો કે નુકશાન?

તેના જવાબમા ૮૪.૨% લોકોએ જણાવ્યુ કે અમને ફાયદો થયો છે અને ૧૫.૮% લોકોએ કહ્યુ કે નુકશાન થયુ છે. 

 1. વિધાયક પાસાઓ
 • આજના યુવાનો ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ગૂગલ વગેરેથી પોતાની જોઈતી માહિતી આસાનીથી મેળવી લે છે.
 • ખાસ કરીને ફેસબુક આવ્યા પછી યુવક-યુવતીઓ પોતાની અભિવ્યક્તિઓ અને તેનામાં પડેલી આંતરિક શક્તિઓને ફેસબુક કે બ્લોગના માધ્યમથી ખૂબ જ આકર્ષક રીતે રજૂ કરી રહ્યા છે. તેમજ તેનામાં પડેલી વિશિષ્ટ કળાને અને મેળવેલી સિદ્ધિ રજૂ કરી પોતાનું સામાજિક સ્થાન તેઓ ઊચું કરી કે પછી મિત્રો સાથે એડવેંચરના ફોટો-વિડીયો સોશીયલ મીડિયામાં બિન્દાસ મૂકીને વિચારો, પ્રતિભાવો મેળવી, આંતરિક આનંદની લાગણી અનુભવે છે.
 • ઘણા એકલવાયું જીવન જીવતા લોકો પણ પોતાની જાતને ખૂબ સુખી મહેસુસ કરતાં હોય છે.
 • વિદેશમાં રહેતા ભારતીયો રોજે રોજ તેમના મિત્રોને ફેસબુક પર જોઈને પોતાને તેનાજ દેશમાં હોવાનો અહેસાસ કરે છે.
 • સોશીયલ મીડિયાના માધ્યમથી આપણાં દેશના સંસ્કારો અને સંસ્કૃતિથી જોડી રાખે છે.
 • પોતાના આદર્શ(આઇડિયલ) માનતા લોકોને ફેસબુક, ટ્વીટરમાં ફોલો કરે છે તેમની દરેક પ્રવૃતિ, વાતો, વિચારોથી માહિતગાર રહે છે.   
 • સમાજમાં ચાલતા સારા-નરસા પ્રસંગો અને કરંટ ટોપીક ઉપર પોતાના વિચારો બિન્દાસ રજૂ કરે છે, અને તે વિષયને વધુ ને વધુ લોકો સાથે શેર કરે છે.
 • વિચારોનું આદાન પ્રદાન કરવા
 • શિક્ષણ વિશેની માહિતી, મિત્રતા બાંધવી, વ્યવસાય, રોજગારી, સમય પસાર કરવા, સગા વહાલાઓના સંપર્કમાં રહેવા...
 • સોશિયલ મિડીયાના માધ્યમથી ન્યુઝ, દુનિયામા બનતા બનાવો, રાજકીય માહિતીની આપ-લે, સંદેશાની આપ-લે, તેમ જ વિદ્યાર્થીઓ નવુ નવુ જાણી શકે છે વગેરે દ્વારા પોતાની જાતને અપડેટ રાખી શકાય છે.

 

 1. નિષેધક પાસાઓ
 • અશ્લીલ વિડીયો, ફોટો, જોકસનો પ્રચાર
 • ફેક આઈડી બનાવી છેતરપિંડી વધી રહી છે.
 • કોમેન્ટમા અભદ્ર ભાષા કે લખાણ
 • રાત-દિવસ સમયનું ભાન રાખ્યા વિના અમુક યુવક-યુવતીઓ ચેટિંગમાં વ્યસ્ત રહેતા હોય છે. આ સમસ્યાથી વાલીઓ પોતાના સંતાનોથી કંટાળે છે.
 • ભારતમાં સરેરાશ યુવાનો રોજની ૪ કલાક સોશીયલ મીડિયામાં વીતાવે છે.
 • પોતાનો અભ્યાસ છોડીને વિદ્યાર્થીઓએ રાત-દિવસ ફેસબુક કે વોટ્સએપમાં રચ્યા પચ્યાં રહે છે. એકંદરે તેના ભવિષ્ય પર માઠી અસર થાય છે.
 • અજાણી વ્યક્તિની સાથે યુઝર આઈડી, ફોટો અકાઉન્ટ નંબર, ક્રેડીટ કાર્ડ નંબર વગેરેની આપલે દ્વારા તમારી માહિતીના આધારે લોકો તમારા ઘરના દરવાજા સુધી આસાનીથી પહોચી શકે છે.
 • બ્લેકમેઈલ થવાની ભીતિ , બેન્ક અકાઉન્ટમાંથી  પૈસાની હેર-ફેર, આઈડી હેક કરવું, તમારા આઈડીનો દૂર ઉપયોગ કરી ખોટા ઈમેલ થઈ શકે.
 • અફવાનું પ્રમાણ વધવું.
 • કુટુંબના સભ્યો સાથે આદાન-પ્રદાન ઘટ્યું.
 • સામાન્ય અસ્વસ્થતા, અસ્થિરતા, ચિંતાની લાગણી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, અનિન્દ્રા, ઊંઘમાં ખલેલ વગેરે...
 • પ્રાઈવસી ભંગ થવી.
 • સતત ઓનલાઈન ચેટિંગમાં વ્યસ્ત રહેવાથી તેઓ સમયનું ભાન ભૂલી જતાં હોય છે અને પારિવારિક સંબંધોમાં ઘટાડો આવે છે.
 •  વાહન ચલાવતી વખતે સોશિયલ મીડિયાની લતને કારણે મોબાઇલનો ઉપયોગ કરવો દારુ પી ને ડ્રાઇવિંગ કરવા જેટલુ જોખમી પુરવાર થયુ છે અને વાહન ચલાવતી વખતે ટેક્સ્ટ મેસેજ ટાઇપ કરવો જીવલેણ સાબિત થઇ શકે.

કેટલાક તથ્યો.....

 • ગૂગલ પર પ્રત્યેક એક સેકંડમાં લગભગ ૬૦,૦૦૦થી વધુ સર્ચ કરવામાં આવે છે.
 • ફેસબુક પર પ્રત્યેક સેકંડમાં લગભગ ૫૦,૦૦૦ કરતાં વધુ લાઈક્સ કરવામાં આવે છે.
 • ટ્વીટર પર પ્રત્યેક સેકન્ડ ૧૦,૦૦૦ ટ્વીટ કરવામાં આવે છે.
 • ઇન્સ્ટાગ્રામ પર પ્રત્યેક સેકંડમાં ૨૦૦૦ ફોટોસ અપલોડ કરવામાં આવે છે.
 • સ્કાઇપ પર પ્રત્યેક સેકંડમાં ૧૯૦૦ સ્કાઈપ કોલ કરવામાં આવે છે.
 • દુનિયાના ૧૯% લગ્નો ઈંટરનેટના માધ્યમથી જ થાય છે. ઇન્ટરનેટ લગ્ન કરવાનું એક માધ્યમ બનતું જાય છે.
 • દુનિયાના ઈંટરનેટમાં ફેલાયેલ તમામ સામગ્રીઓમાથી ૩૭% ભાગ ફક્ત પોર્નોગ્રાફી(પોર્ન)નો  છે.
 • યુ-ટ્યુબ પર સૌથી વધુ જો કોઈ વિડીયો જોવાયો હોય તો તે છે ‘ગંગનમ સ્ટાઈલ’ છે. આને અત્યાર સુધી ૨,૫૭૩,૩૬૭,૧૮૭ વાર જોવામાં આવ્યો છે.
 • ઇન્ટરનેટ પર પ્રત્યેક સેકંડમાં લગભગ ૨૪,૦૦,૦૦૦ ઈમેલ મોકલવામાં આવે છે.
 • વોટ્સએપ પર પ્રત્યેક સેકંડમાં લગભગ ૨,૫૦,૦૦૦ મેસેજ મોકલવામાં આવે છે.
 • યુ-ટ્યુબ પર પ્રત્યેક સેકંડમાં લગભગ ૧,૦૦,૦૦૦ વિડીયો જોવામાં આવે છે. ભારતના સરેરાશ ૧૮ વર્ષની નીચેના ૨૭% તરુણો ફેસબુક યુઝર છે. ૨૬ થી ૪૦ વર્ષ ના યુવાનો ૩૩% ઉપયોગ કરે છે  અને ૧૯ થી ૨૫ વર્ષના પણ ૩૩% લોકો ફેસબુકનો ઉપયોગ કરે  છે. જ્યારે ૭% લોકો ભારતીય ૪૧ વર્ષથી ઉપરના ફેસબુકનો ઉપયોગ કરે  છે. આમ સરેરાશ ૯૩% ભારતના યુવાનો જે ફેસબુકમાં ગળાડૂબ છે.
 • ૧૬ થી ૨૭ વર્ષના વય જુથના વાહન ચાલકોમાથી આશરે ૪૦ % લોકો ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે

 

 

 

ઘણા સમયથી મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોનું એવું માનવું હતું કે સોશિયલ મીડિયા દ્વારા લોકોની માનસિકતા ખરાબ થાય છે. પરંતુ એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી અને આ સંશોધન પરથી કહી શકાય કે આ લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા લોકોને ખૂબ મદદરૂપ થયું છે. ભારતના પ્રથમ મનોવૈજ્ઞાનિક એવા ગૌતમ બુદ્ધના સંદેશ અનુસાર મધ્યમ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે એટ્લે કે કોઈપણ બાબતમાં અતિશયોક્તિ અને તિરસ્કાર બન્ને વર્જ્ય છે.

 

 

nimisha.jpgનિમિષા પડારિયા

મનોવિજ્ઞાન ભવન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજકોટ

 

 


Department: Department of Psychology

09-07-2020